શ્રાવણ માસ શ્રદ્ધા, ભક્તિ અને તહેવારોનો સમન્વય લઈને આવે છે, જે હિંદુ ધર્મમાં અત્યંત આસ્થાપૂર્વક ઉજવવામાં આવે છે.

અમદાવાદ, શનિવાર
હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતો શ્રાવણ માસ 2025માં 25 જુલાઈ, શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. ભગવાન શંકરની પૂજા-આરાધના માટે વિશેષ મહત્વ ધરાવતો આ માસ 23 ઓગસ્ટ, 2025ના રોજ સમાપ્ત થશે, જે કુલ 30 દિવસનો રહેશે. શ્રાવણ માસના એક દિવસ પહેલા, દિવાસો (હરિયાળી અમાસ) ઉજવવામાં આવશે, જે પિતૃઓ માટે તર્પણ અને પિંડદાનનું વિશેષ મહત્વ ધરાવે છે.
શ્રાવણ સોમવાર અને શિવ પૂજાનું મહત્વ
શ્રાવણ માસમાં આવતા સોમવારે ભગવાન શંકરની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે શિવલિંગ પર દૂધ અને ગંગાજળ વડે અભિષેક કરીને બિલીપત્ર અર્પણ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. ઘણા ભક્તો આખા શ્રાવણ માસ અથવા શ્રાવણ સોમવારના વ્રત અને ઉપવાસ કરે છે.
શ્રાવણ માસના મુખ્ય તહેવારો
શ્રાવણ માસ અનેક મહત્વના હિંદુ તહેવારોનો પણ મહિનો છે.
રક્ષાબંધન 2025
ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો પ્રતીક સમા રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 9 ઓગસ્ટ, 2025, શનિવારે ઉજવવામાં આવશે. આ દિવસે બહેન ભાઈની રક્ષા માટે તેના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.
જન્માષ્ટમી 2025 અને અન્ય સંબંધિત તહેવારો
શ્રાવણ માસમાં જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ પણ ધામધૂમથી ઉજવાય છે. શ્રાવણ વદ પાંચમથી નોમ સુધી કુલ 5 દિવસ આ તહેવારો ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમના મધ્યરાત્રિ 12 વાગ્યે ઉજવાય છે.
* નાગ પાંચમ 2025: 13 ઓગસ્ટ, બુધવાર
* રાંધણ છઠ્ઠ 2025: 14 ઓગસ્ટ, ગુરુવાર
* શીતળા સાતમ 2025: 15 ઓગસ્ટ, શુક્રવાર
* જન્માષ્ટમી 2025: 16 ઓગસ્ટ, શનિવાર
* નોમ 2025: 17 ઓગસ્ટ, રવિવાર











