સ્વામિત્વ યોજના: ગુજરાતમાં 200 ફી માફ, 25 લાખ લોકોને થશે મોટો ફાયદો!

મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોના નાના, ગરીબ અને મધ્યમવર્ગીય મિલકત ધારકોને સનદ મેળવવામાં સરળતા રહેશે, જે ઇઝ ઓફ લિવિંગને સાકાર કરશે.

ગાંધીનગર, સોમવાર
ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકો માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વામિત્વ’ યોજના હેઠળ મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ વિના મૂલ્યે આપવાની જાહેરાત કરી છે. અગાઉ આ સનદ મેળવવા માટે 200ની ફી ચૂકવવી પડતી હતી, જે હવે માફ કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 25 લાખ ગ્રામીણ મિલકત ધારકોને સીધો લાભ થશે.

સનદ મેળવવાનું આર્થિક ભારણ સમાપ્ત
રાજ્ય સરકારે જમીન મહેસૂલ અધિનિયમ 1879ની જોગવાઈ મુજબ વસૂલવામાં આવતી 200ની સર્વે ફી રદ કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. આના પરિણામે, ગ્રામીણ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત તેમની રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ પણ હવે નિઃશુલ્ક મળશે. આશરે 25 લાખ ગ્રામીણ મિલકત સનદના વિતરણ માટે અંદાજે 50 કરોડનું આર્થિક ભારણ રાજ્ય સરકાર ઉઠાવશે.

‘સ્વામિત્વ’ યોજના: ગ્રામીણ વિકાસ અને વિવાદોના નિરાકરણમાં મદદરૂપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા વર્ષ 2020માં સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવાનો છે.

ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામીણ આબાદી વિસ્તારોની મિલકતોનો સર્વે કરવામાં આવે છે અને ત્યાર બાદ ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. આ પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોને વિના મૂલ્યે મળે છે.

આ પ્રોપર્ટી કાર્ડ અને સનદના અનેક ફાયદા છે
* ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતો પર કાયદેસરનો અધિકાર મળે છે.
* તેઓ આર્થિક રીતે સશક્ત બને છે, કારણ કે આ પ્રોપર્ટીનો ઉપયોગ લોન જેવી નાણાકીય જરૂરિયાતો માટે કરી શકાય છે.
* ગ્રામ્ય વિસ્તારના વિકાસને વેગ મળશે.
* ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકોર્ડ તૈયાર થશે.
* કરની ચોક્કસ વસૂલાત થશે.
* મિલકત સંબંધી વિવાદો અને કાયદાકીય કેસો ઘટશે.

‘સ્વામિત્વ’ યોજના શું છે?
ભારતમાં આજે પણ મોટો હિસ્સો ગ્રામીણ છે, જ્યાં ઘણા લોકો પાસે તેમની જમીનના કોઈ દસ્તાવેજો નથી. પેઢી દર પેઢી તેઓ જમીન પર પોતાનો માલિકી હક્ક ગણતા આવ્યા છે. આના કારણે ગામડાઓમાં જમીનને લઈને અનેક વિવાદો સર્જાય છે, જે ઘણીવાર પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે.

‘સ્વામિત્વ’ યોજના ગ્રામીણ વિસ્તારોમાં જમીન પર બનેલા મકાનોને કાયદેસર માલિકી હક્ક આપવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પહેલ છે. આ યોજના હેઠળ સર્વે કરવામાં આવે છે અને જે વ્યક્તિ ઘરની માલિકી ધરાવે છે, તેને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. આ રીતે, તેમની પાસે તેમના ઘરનો માન્ય દસ્તાવેજ હોય છે.

કોને મળશે આ યોજનાનો લાભ?
ભારત સરકારની સ્વામિત્વ યોજનાથી મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ફાયદો થશે. ખાસ કરીને તે લોકો જેમના ઘરો તેમની જમીન પર બનેલા છે પરંતુ તેમની પાસે માલિકીનો કોઈ પુરાવો નથી. ભારત સરકાર સર્વે કરીને આવા લોકોને પ્રોપર્ટી કાર્ડ સોંપશે, જે ભવિષ્યમાં તેમના ઘરની માલિકી સાબિત કરવા માટે માન્ય દસ્તાવેજ બનશે.

આ યોજના હેઠળ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં આવેલી પ્રોપર્ટીનો સર્વે કરવામાં આવશે. સરકારનો આ નિર્ણય લાંબા ગાળે ગ્રામીણ ક્ષેત્રમાં જમીનના વિવાદો ઘટાડવામાં અને નાગરિકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં મદદ કરશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!