બ્લોક નંબર 12 જે નર્મદા નિગમને ફાળવવામાં આવ્યો છે, ત્યાં થયેલા ગાબડા બાદ નિગમે તત્કાળ પગલાં લીધા છે. શરૂઆતમાં હંગામી રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે કાયમી ધોરણે સમસ્યાના નિરાકરણ માટે નવી પેરાપેટ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

ગાંધીનગર, મંગળવાર
ગુજરાતના સચિવાલય, જે સરદાર પટેલ ભવન તરીકે પણ ઓળખાય છે, તેના બ્લોક નંબર 12માં હવે નવી પેરાપેટ બનાવવામાં આવશે. ગત માર્ચ મહિનામાં ધાબાની પેરાપેટમાં મોટું ગાબડું પડ્યા બાદ, નર્મદા નિગમ દ્વારા આ કામગીરી માટે 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં હયાત પેરાપેટને તોડીને નવી બનાવવામાં આવશે અને આઉટર સરફેસનું કોંક્રિટ વર્ક પણ કરવામાં આવશે.
ચાર દાયકા જૂનું સચિવાલય, રિનોવેશનની જરૂરિયાત
સરદાર પટેલ ભવનનું બાંધકામ 1985માં થયું હતું અને આજે પણ તેને ‘નવા સચિવાલય’ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, હવે આ બિલ્ડિંગના બ્લોક્સ જૂના અને જર્જરિત બન્યા છે, જેના કારણે સમયાંતરે રિનોવેશનની જરૂર પડી રહી છે. છેલ્લા દોઢ દાયકાથી અહીંના 1થી 14 બ્લોકમાં વિવિધ સમારકામ ચાલી રહ્યા છે, પરંતુ તેમાં મજબૂતીકરણના મોટા કામોનો સમાવેશ થતો નહોતો.
200 કરોડના મજબૂતીકરણ પ્લાનમાં વિલંબ
મહત્વનું છે કે, સચિવાલયના આ બ્લોક્સના મજબૂતીકરણ માટે રૂપિયા 200 કરોડના ખર્ચની યોજના બે વર્ષ પહેલા તૈયાર કરવામાં આવી હતી, પરંતુ આ કામ હજુ સુધી શરૂ થઈ શક્યું નથી. હાલમાં, સચિવાલયની ઇમારતો જોખમી બનવા તરફ આગળ વધી રહી છે. આ 14 બ્લોક્સમાં રાજ્યના 26 મહત્વના વિભાગોની કચેરીઓ આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કાર્યરત છે. આવી સ્થિતિમાં, ઇમારતોના મજબૂતીકરણમાં થતો વિલંબ ચિંતાનો વિષય બન્યો છે.











