રાજ્યના જળસંપત્તિ વિભાગના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, હાલ 207 જળાશયોમાં કુલ 59.03% પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. આ સાથે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષનો કુલ સરેરાશ વરસાદ 53.39% નોંધાયો છે.

અમદાવાદ, મંગળવાર
ગુજરાતમાં ચોમાસાની મહેર યથાવત છે અને રાજ્યભરમાં સારો વરસાદ થતા જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે. જોકે, કેટલાક ડેમ ઓવરફ્લો થવાની અણી પર હોવાથી તંત્ર પણ એલર્ટ મોડ પર છે. રાજ્યના કુલ 207 ડેમમાંથી 46 ડેમને હાલ હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે અન્ય 18 ડેમ એલર્ટ અને 25 ડેમ વોર્નિંગ પર છે.
રાજ્યના જળસંપત્તિ વિભાગના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, હાલ 207 જળાશયોમાં કુલ 59.03% પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. આ સાથે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષનો કુલ સરેરાશ વરસાદ 53.39% નોંધાયો છે.
ઝોન પ્રમાણે ડેમની સ્થિતિ
* ઉત્તર ગુજરાત: 15 ડેમમાં 54.66% જળસંગ્રહ (એક પણ ડેમ છલોછલ ભરાયો નથી)
* મધ્ય ગુજરાત: 17 ડેમમાં 65.70% જળસંગ્રહ (2 ડેમ ઓવરફ્લો)
* દક્ષિણ ગુજરાત: 13 ડેમમાં 59.11% જળસંગ્રહ (5 ડેમ ઓવરફ્લો)
* કચ્છ: 20 ડેમમાં 56.24% જળસંગ્રહ (5 ડેમ ઓવરફ્લો)
* સૌરાષ્ટ્ર: 141 ડેમમાં 64.52% જળસંગ્રહ (16 ડેમ ઓવરફ્લો)
* સરદાર સરોવર: 56.78% જળસંગ્રહ
રાજ્યમાં વરસાદનું વિતરણ અને હવામાન અપડેટ
રાજ્યમાં વરસાદનું વિતરણ પણ નોંધપાત્ર રહ્યું છે. સૌથી વધુ વરસાદ કચ્છ રીઝીયનમાં 63.35% અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 56.32% નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં *52%*થી વધુ, જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.06% સરેરાશ વરસાદ પડ્યો છે.
તાલુકાવાર વિગત જોઈએ તો, 141 તાલુકામાં 251થી 500 mm, 55 તાલુકામાં 501થી 1000 mm, અને 18 તાલુકામાં 1000 mm (40 inch)થી વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ જોતાં, માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.











