સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પરવતનેનીએ જણાવ્યું હતું કે, “જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની વાત કરીએ છીએ, ત્યારે એ સ્વીકારવું અત્યંત જરૂરી છે કે કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું વૈશ્વિક સ્તરે સન્માન થવું જોઈએ, જેમાં એક મુખ્ય સિદ્ધાંત આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સનો છે.”

નવી દિલ્હી, બુધવાર
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં પાકિસ્તાનને આડે હાથ લીધું છે. ભારતે પાકિસ્તાનને કટ્ટરપંથ અને આતંકવાદમાં ડૂબેલો દેશ ગણાવ્યો છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સરહદ પારથી આતંકવાદ ફેલાવવાની પાકિસ્તાને ભારે કિંમત ચૂકવવી પડશે. આ ઘટનાક્રમથી અન્ય દેશો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પાકિસ્તાનની અધ્યક્ષતામાં જ પાકિસ્તાનને ઝાટક્યું!
રસપ્રદ વાત એ છે કે, ભારતે UNSCની એ બેઠકમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો, જેની અધ્યક્ષતા ખુદ પાકિસ્તાન કરી રહ્યું હતું. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે જે દેશો સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ભારતે પાકિસ્તાનને કટ્ટરપંથ અને આતંકવાદમાં ડૂબેલો “સીરીયલ ઉધાર લેનાર” ગણાવ્યો.
આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ જરૂરી
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પરવતનેનીએ જણાવ્યું હતું કે, “જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની વાત કરીએ છીએ, ત્યારે એ સ્વીકારવું અત્યંત જરૂરી છે કે કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું વૈશ્વિક સ્તરે સન્માન થવું જોઈએ, જેમાં એક મુખ્ય સિદ્ધાંત આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સનો છે.” હરીશે આ નિવેદન UNSC ની ઉચ્ચ-સ્તરીય ખુલ્લી ચર્ચામાં આપ્યું હતું, જેનો વિષય “બહુપક્ષવાદ અને શાંતિપૂર્ણ સમાધાન દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન” હતો. ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનાથી આ 15-સદસ્યીય પરિષદની અધ્યક્ષતા પાકિસ્તાન કરી રહ્યું છે.
પાકિસ્તાને ઉઠાવ્યા મુદ્દા, ભારતનો સણસણતો જવાબ
આ બેઠકમાં પાકિસ્તાનના ઉપ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે જમ્મુ-કાશ્મીર અને સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં ભારતે કડક પ્રતિક્રિયા આપી અને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી હતી.











