ગુજરાતમાંથી પકડાયેલા 2 આતંકીઓના 14 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. ATS હવે આ તમામ આરોપીઓ શું કરવાના હતા અને તેમનો શું પ્લાન હતો તેની બારીકાઈથી તપાસ કરી રહી છે.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાત ATS એ આતંકવાદી સંગઠન અલકાયદા ઈન્ડિયાના 4 આતંકીઓને ઝડપી પાડીને રાજ્યમાં એક મોટી આતંકવાદી પ્રવૃત્તિને નિષ્ફળ બનાવી છે. દિલ્હી, ગુજરાતના અરવલ્લી અને ઉત્તર પ્રદેશમાંથી આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે. આ ઝડપાયેલા આતંકીઓ લાંબા સમયથી ATSના રડાર પર હતા અને તેઓ પાકિસ્તાન સ્થિત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ સાથે પણ સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
ઓપરેશન સિંદૂર અને ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ
ગુજરાત ATSને 10 જૂનના રોજ 5 શંકાસ્પદ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અંગે માહિતી મળી હતી. આ એકાઉન્ટ્સ, જેમાં મુજાહિદ-1 અને મુજાહિદ-2 દિલ્હીથી ઓપરેટ થઈ રહ્યા હતા, તેનો ઉપયોગ ભડકાઉ અને ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવા માટે કરવામાં આવતો હતો. ખાસ કરીને હિન્દુ સમુદાયના સભ્યો અને લોકશાહી શાસન સંસ્થાઓને નિશાન બનાવવામાં આવતી હતી. આ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ યુવાનોને કટ્ટરપંથી બનાવી, સાંપ્રદાયિક વિખવાદ પેદા કરી અને ઇસ્લામિક ખિલાફતની સ્થાપનાના બહાને અલગતાવાદી તથા આતંકવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવાનો હતો.
ATS દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, આ 4 આતંકીઓ દેશવિરોધી કાર્યવાહી માટે લોકોને ઉશ્કેરી રહ્યા હતા અને જેહાદનો ફેલાવો કરતા હતા. ફરદીન નામના શખ્સને ડીટેઈન કરતા અલકાયદાના પુરાવા મળ્યા હતા, જેમાં ઓપરેશન સિંદૂરને લગતી પોસ્ટ્સ અને ઝીશાનના આઈડીમાંથી હથિયારના ફોટા પણ સામેલ હતા. આ આતંકીઓ ડમી નામથી આઈડી બનાવી ઉર્દુમાં વાતચીત કરતા અને લોકોને શરિયત લાગુ કરવાના ભાષણો મોકલતા હતા.
20થી 25 વર્ષના યુવાનો, પાકિસ્તાન કનેક્શન અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ
ઝડપાયેલા આ તમામ 4 આતંકીઓ ભારતીય મૂળના છે અને તેમની ઉંમર 20થી 25 વર્ષની વચ્ચે છે. તેઓ ભારતમાં મોટા પાયે આતંકી પ્રવૃત્તિઓનું આયોજન કરવાની ફિરાકમાં હતા. તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા અને સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના પણ સંપર્કમાં હતા. તેઓ સોશિયલ મીડિયા દ્વારા જ લોકોને પોતાના ગ્રુપમાં જોડતા હતા. આ રેડિકલાઈઝ થયેલા આતંકીઓ લાંબા સમયથી ATSની વોચમાં હતા.
કોણ છે આ ઝડપાયેલા આતંકીઓ?
ATS દ્વારા ઝડપાયેલા 4 આતંકીઓની ઓળખ સામે આવી છે.
મોહંમદ ફૈઝ: દિલ્હીના ફરસખાનાનો રહેવાસી અને મુખ્ય આરોપી, જેનું પાકિસ્તાન સાથે કનેક્શન છે.
મોહંમદ ફરદીન: અમદાવાદના ફતેહવાડી વિસ્તારનો રહેવાસી. તેના પાસેથી એક તલવાર પણ મળી આવી છે.
સૈફુલ્લા કુરેશી: મોડાસાના ભોઇવાડીનો રહેવાસી. તે ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો અને સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહેતો હતો. તેનું મોડાસાના ખાટકીવાડમાં મકાન છે.
ઝીશાન અલી: નોઈડાનો રહેવાસી.











