ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે નાગરિકોને આ 2 દિવસ દરમિયાન પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવા અને જરૂરી સંગ્રહ કરી લેવા અપીલ કરી છે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણીનો પુરવઠો રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી 25 અને 26 કુલ 2 દિવસ દરમિયાન ગાંધીનગર શહેર તેમજ ગાંધીનગર તાલુકાના લાભાર્થી ગામોમાં પાણી પુરવઠો બંધ રહેશે. આ નિર્ણય નભોઈ પમ્પિંગ સ્ટેશન અને ચરેડી હેડવર્ક્સ ખાતે ચાલી રહેલા મહત્વપૂર્ણ કામગીરીના કારણે લેવામાં આવ્યો છે.
શું છે કારણ?
નભોઈ પમ્પિંગ સ્ટેશન ખાતે નવી પમ્પિંગ મશીનરી ઇન્સ્ટોલેશન: ગાંધીનગર તાલુકાના નભોઈ પમ્પિંગ સ્ટેશન ખાતે નવી પમ્પિંગ મશીનરી લગાવવાની કામગીરી ચાલી રહી છે. ચરેડી હેડવર્ક્સ ખાતે વાલ્વ બદલવા: ગાંધીનગર શહેરની એન.સી-14 યોજના હેઠળ ચરેડી હેડવર્ક્સ ખાતે વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરાશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આંતરિક જોડાણ: સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 24×7 પાણી પુરવઠા યોજનાના ભાગરૂપે ચરેડી હેડવર્ક્સ ખાતે સંપના આંતરિક જોડાણનું કામ પણ કરવામાં આવશે.
અગાઉ, આ શટડાઉન 23 અને 24 જુલાઈ માટે આયોજિત હતું. જોકે, પેથાપુર સ્થિત થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ આ તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. થર્મલ પાવર પ્લાન્ટને તેના 3 કુલિંગ પ્લાન્ટના સુરક્ષિત શટડાઉન માટે 24 કલાકના સમયગાળાની જરૂરિયાત હોવાથી, પાણીકાપ એક દિવસ આગળ વધારીને 25 અને 26 જુલાઈ, 2025 કરવામાં આવ્યો છે.
કયા વિસ્તારોને અસર થશે?
આ શટડાઉનની અસર એન.સી-14 અને જી-1 જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવતા ગાંધીનગર શહેર અને તેના લાભાર્થી ગામોને થશે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે નાગરિકોને આ 2 દિવસ દરમિયાન પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવા અને જરૂરી સંગ્રહ કરી લેવા અપીલ કરી છે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણીનો પુરવઠો રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે.











