ગાંધીનગરમાં ભૂસ્તર વિભાગનો સપાટો: કરોડોનો ખનિજ ચોરીનો પર્દાફાશ, 7 વાહનો જપ્ત

નારદીપુર-ધમાસણા રોડ પર આવેલા ભારત પેટ્રોલિયમ પંપ પાસેથી પણ ભૂસ્તર વિભાગે મોટી કાર્યવાહી કરી. અહીં બિનઅધિકૃત રીતે ગ્રેવલનું ઓવરલોડ વહન કરતા 3 ડમ્પર વાહનોને પણ પકડી પાડવામાં આવ્યા.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર જિલ્લામાં ખનિજ ચોરી સામે ભૂસ્તર વિભાગે મોટી કાર્યવાહી કરી છે, જેમાં રાજસ્થાનથી આવતા 4 ટ્રેલર સહિત કુલ 7 વાહનોને દબોચી લેવામાં આવ્યા છે. આ દમદાર ઓપરેશનમાં કુલ 3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે ખનિજ માફિયાઓ માટે લાલબત્તી સમાન છે.

જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવેના સચોટ માર્ગદર્શન હેઠળ, ભૂસ્તર વિભાગે રાજસ્થાનના નાથદ્વારા અને ઉદયપુરથી રોયલ્ટી પાસ વગર પથ્થરનું વહન કરતા 4 મોટા ટ્રેલરને ઝડપી પાડ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ટ્રેલરો ભોલેબાબા લોજિસ્ટિક્સ નામની કંપનીના માલિકીના હતા.

આટલું જ નહીં, નારદીપુર-ધમાસણા રોડ પર આવેલા ભારત પેટ્રોલિયમ પંપ પાસેથી પણ ભૂસ્તર વિભાગે મોટી કાર્યવાહી કરી. અહીં બિનઅધિકૃત રીતે ગ્રેવલનું ઓવરલોડ વહન કરતા 3 ડમ્પર વાહનોને પણ પકડી પાડવામાં આવ્યા. આ ડમ્પર વાહનોના નંબર GJ-36-V-8877, GJ-13-AX-9631 અને GJ-36-X-8399 નોંધાયા છે.

મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારની મહેસૂલી આવક વધારવા અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ભૂસ્તર વિભાગ દ્વારા નિયમિતપણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહી તે જ ઝુંબેશનો એક ભાગ છે.

આ ઓપરેશનમાં કુલ 7 વાહનો અને 3.20 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત મિનરલ નિયમો-2017 હેઠળ વાહન માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને 5 ડમ્પર/ટ્રેલરો માટે કુલ 15.82 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ભૂસ્તર વિભાગની આ કાર્યવાહી ખનિજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!