અનરાધારના અણસાર: રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય, આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે.

અમદાવાદ, શનિવાર
ગુજરાતમાં ચોમાસાની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે, કારણ કે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ મધ્યમથી હળવા વરસાદની અપેક્ષા રાખવામાં આવી છે.

આજે કયા વિસ્તારોમાં પડશે વરસાદ?
આજે દાહોદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. નાગરિકોને હવામાનની પળેપળની માહિતી માટે સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીનો વરસાદ અને જળાશયોની સ્થિતિ
ચોમાસાની વર્તમાન સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 55.26% વરસાદ નોંધાયો છે. પ્રાદેશિક રીતે જોઈએ તો, કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64% વરસાદ વરસ્યો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 59.11%, ઉત્તર ગુજરાતમાં 54.04%, સૌરાષ્ટ્રમાં 54.02% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 51.64% સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42% જળસંગ્રહ થયો છે, જે 1,98,503 MCFT પાણીનો સંગ્રહ દર્શાવે છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 61.06% એટલે કે 3,40,817 MCFT પાણી સંગ્રહાયું છે. સાર્વત્રિક વરસાદના પરિણામે 206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત, 48 ડેમને હાઈ એલર્ટ, 19 ડેમને એલર્ટ અને 23 ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યના 62 ડેમ 70% થી 100% ભરાયેલા છે, જ્યારે 41 ડેમ 50% થી 70% અને 38 ડેમ 25% થી 50% ભરાયા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!