અરવલ્લીમાં મેઘતાંડવ: મેશ્વો નદી બે કાંઠે, 30 ગામોને એલર્ટ કરાયા

ભિલોડા અને મોડાસા તાલુકાના ગ્રામજનોને ખાસ કરીને નદી કિનારે ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

મોડાસા, રવિવાર
અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે, જેના પગલે નદી-નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. ભિલોડા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મેશ્વો નદી સીઝનમાં પ્રથમ વખત બે કાંઠે વહી રહી છે, જેને પગલે નદી કાંઠાના 30 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભિલોડા અને મોડાસા તાલુકાના ગ્રામજનોને ખાસ કરીને નદી કિનારે ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઘોડાપુરને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે લાંબા સમય બાદ નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે.

મોડાસામાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં પણ પરિસ્થિતિ ગંભીર બની છે. ગઈ રાત્રિ દરમિયાન માત્ર 6 કલાકમાં 6 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પરિણામે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને પણ નુકસાન થયું હતું. જોકે, હવે ધીમે ધીમે સોસાયટીઓમાંથી પાણી ઓસરી રહ્યા છે.

તંત્ર એલર્ટ મોડ પર
વરસાદની ગંભીર પરિસ્થિતિને જોતા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સતત એલર્ટ મોડ પર છે. મેશ્વો નદીમાં ઘોડાપુર અને મોડાસામાં જળભરાવની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિકોને સુરક્ષિત રહેવા અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!