બનાસકાંઠામાં જળબંબાકાર: પાલનપુર-અમદાવાદ હાઈવે પર 20 KMનો મેગા જામ

આટલા લાંબા સમયથી ટ્રાફિકજામ હોવા છતાં, તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. આ અતિભારે વરસાદને કારણે પાલનપુર-અમદાવાદ સ્ટેટ હાઈવે પર ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. છાપી નજીક હાઈવે પર કેડસમા પાણી ભરાઈ જતા લગભગ 20 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો છે. મોડી રાતથી ST બસ સહિત અનેક વાહનો આ પાણીમાં ફસાયા છે, જેના કારણે હજારો મુસાફરો અને વાહનચાલકો છેલ્લા 10 કલાકથી વધુ સમયથી અટવાઈ પડ્યા છે.

તંત્રની ઘોર નિંદ્ર વચ્ચે હાલાકીનો પાર નહીં
આટલા લાંબા સમયથી ટ્રાફિકજામ હોવા છતાં, તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર ભરાયેલા પાણી અને ટ્રાફિકજામને કારણે વાહનચાલકો અને બસમાં સવાર મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાવા-પીવાની અને અન્ય પ્રાથમિક સુવિધાઓના અભાવે તેમની સ્થિતિ દયનીય બની છે.

છાપીના યુવાનો બન્યા દેવદૂત
જોકે, આ કપરી પરિસ્થિતિમાં છાપી ગામના સ્થાનિક યુવાનો દેવદૂત બનીને સામે આવ્યા છે. છેલ્લા 10 કલાકથી ટ્રાફિકમાં ફસાયેલા લોકોને તેઓ પીવાનું પાણી અને અન્ય મદદ પૂરી પાડી રહ્યા છે. યુવાનોના આ સેવાકાર્ય પ્રશંસનીય છે અને મુશ્કેલીના સમયમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તંત્રની નિષ્ફળતા વચ્ચે આ યુવાનોનો માનવતાવાદી અભિગમ ખરેખર સરાહનીય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!