ગાંધીનગરમાં ચોર પકડાયો: 78 હજારના 23 Mobile Phones સાથે એક યુવક ઝડપાયો

પોલીસે આરોપીની અંગઝડતી કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ, આઈફોન અને કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. કુલ 23 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત 78,500 જેટલી થાય છે.

ગાંધીનગર, સોમવાર
ગાંધીનગરમાં ચોરીના બનાવો પર અંકુશ લાવવા માટે પોલીસ એક્ટિવ બની છે, ત્યારે ઇન્ફોસિટી પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. 20 વર્ષીય એક યુવકને 23 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, જેની કુલ કિંમત આશરે 78,500 આંકવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કેવી રીતે પકડાયો ચોર?
ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ખેરએ તેમના સર્વેલન્સ સ્ટાફને વિસ્તારમાં વધી રહેલી ચોરીઓ પર લગામ કસવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે, ઇન્ચાર્જ પીએસઆઈ વી.જી. પરમાર અને તેમની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી.

પેટ્રોલીંગ દરમિયાન પોલીસને એક સિક્રેટ બાતમી મળી હતી કે, ઘ-0 સર્કલથી રીલાયન્સ સર્કલ તરફ DAIICT જતા રોડ પર એક શખ્સ ચોરીના મોબાઈલ ફોન વેચવાની ફિરાકમાં છે. આ બાતમીને આધારે પોલીસે તુરંત જ એક્શન લીધા અને કાળા કલરનું પેન્ટ-શર્ટ પહેરેલા શખ્સને દબોચી લીધો.

આરોપીની ઓળખ અને જપ્તી
પકડાયેલા આરોપીની ઓળખ રવિ બાબુભાઈ ઉર્ફે જયંતિભાઈ ઠાકોર તરીકે થઈ છે. તે હાલ કલોલ શહેરમાં ગાયત્રી મંદિરની પાછળ, અભાજીના પરાની બાજુમાં છાપરામાં રહે છે. તેનું મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાનું દાંત્રોલી ગામ છે.

પોલીસે આરોપીની અંગઝડતી કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ, આઈફોન અને કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. કુલ 23 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત 78,500 જેટલી થાય છે.

કાયદેસરની કાર્યવાહી
પોલીસે આરોપી રવિ ઠાકોર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-35(1)ઇ હેઠળ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જપ્ત કરાયેલા મોબાઈલ ફોન વધુ તપાસ અને માલિકોને પરત કરવા માટે કબજે લેવામાં આવ્યા છે. આ સફળતા ગાંધીનગર પોલીસની સતર્કતા અને કાર્યવાહી દર્શાવે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!