આ પહેલનો મુખ્ય હેતુ રાજ્યના ઉદ્યોગોને જરૂરી કુશળ મેનપાવર પૂરો પાડવાનો અને ટેકનોલોજીના બદલાતા ટ્રેન્ડ્સ સાથે યુવાનોને અપ-ટૂ-ડેટ કરવાનો છે. આ માટે, 288 સરકારી, 100 ગ્રાન્ટ-ઇન-એઇડ અને 168 પ્રાઇવેટ (સ્વનિર્ભર) સંસ્થાઓ મળીને કુલ 556 ITI કાર્યરત છે.

ગાંધીનગર, સોમવાર
ગુજરાત સરકારે રાજ્યના યુવાનોને રોજગારી અને સ્વરોજગારી માટે તૈયાર કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. રાજ્યમાં આવેલી કુલ 556 ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI)માં 2.17 લાખથી વધુ બેઠકો પર વ્યવસાયિક ટ્રેનિંગની સુવિધા ઉપલબ્ધ છે.
નવા જમાનાના કોર્સ પણ ઉપલબ્ધ
આ ITI માં કુલ 132 અલગ-અલગ કોર્સ ચલાવવામાં આવે છે, જેમાં 79 નેશનલ લેવલના અને 53 સ્ટેટ લેવલના કોર્સનો સમાવેશ થાય છે. આ કોર્સમાં હાલની જરૂરિયાત મુજબના IOT, ડ્રોન પાઇલટ અને સોલર ટેકનિશિયન જેવા એન્જિનિયરિંગ અને નોન-એન્જિનિયરિંગ કોર્સ પણ ઉપલબ્ધ છે.
વિદ્યાર્થીઓ માટે આકર્ષક સ્કીમ્સ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ, ITI માં ભણતા વિદ્યાર્થીઓને અનેક સુવિધાઓ આપવામાં આવે છે.
SC, ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે. અન્ય ઉમેદવારો માટે માસિક ફી માત્ર 100 રૂપિયા છે.
જે વિદ્યાર્થીઓની હાજરી 80 ટકાથી વધુ હોય અને આવકની મર્યાદા હેઠળ આવતા હોય, તેમને માસિક 500 રૂપિયા સ્ટાઇપેન્ડ મળે છે.
વિદ્યાસાધના સહાય યોજના હેઠળ મહિલા વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત, નિ:શુલ્ક ST બસ પાસ, 4 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ, હોસ્ટેલની સુવિધા, લોન સહાય અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે મફત રો-મટીરિયલ્સ જેવી અનેક સુવિધાઓનો લાભ પણ મળે છે.
ઉનાળાની રજાઓમાં પણ સ્પેશિયલ ટ્રેનિંગ
ઉનાળાના વેકેશન દરમિયાન, ધોરણ 8 કે તેથી વધુ ભણતા 1 લાખ વિદ્યાર્થીઓ માટે સરકારી ITI માં સ્કિલ વર્કશોપ ટ્રેનિંગ પણ ચલાવવામાં આવે છે. આનાથી વિદ્યાર્થીઓને નાનપણથી જ વ્યવસાયિક કૌશલ્ય શીખવાની તક મળે છે.
વૈશ્વિક સ્તરે કારકિર્દીની તકો
વર્તમાન સમયમાં દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધી રહ્યું છે. આને કારણે અનેક ઇન્ટરનેશનલ કંપનીઓ પણ અહીં રોકાણ કરી રહી છે. ITI માંથી ટ્રેનિંગ લીધેલા યુવાનો આજે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ સારી નોકરીઓ મેળવી રહ્યા છે અને પોતાનો બિઝનેસ પણ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે.











