આ સ્થિતિ દર્શાવે છે કે અમદાવાદને ખરેખર એક મજબૂત અને કાર્યક્ષમ ડ્રેનેજ સિસ્ટમ ની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવા સામાન્ય વરસાદમાં શહેરને પાણી-પાણી થતું અટકાવી શકાય.

અમદાવાદ, સોમવાર
લાંબા સમયના વિરામ બાદ અમદાવાદમાં ફરી વરસાદ શરૂ થયો છે, પરંતુ આ સામાન્ય વરસાદે પણ શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. ઠેર-ઠેર વોટરલોગિંગ થતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ચાણક્યપુરી વિસ્તારમાં સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે, જ્યાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પ્રી-મોન્સૂન પ્લાન અને કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ચાણક્યપુરીના સેક્ટર 3 માં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોના રોજિંદા કાર્ય પર સીધી અસર પડી છે. સામાન્ય વરસાદમાં પણ આટલા મોટા પાયે પાણી ભરાવું એ સ્પષ્ટ દર્શાવે છે કે AMCનો મોન્સૂન એક્શન પ્લાન ફક્ત કાગળ પર જ રહ્યો છે.
રસ્તાઓ પર નદીઓ અને અકસ્માતનું જોખમ
છેલ્લા બે દિવસથી શહેરમાં ક્યારેક ઝરમર તો ક્યારેક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સામાન્ય વરસાદમાં પણ મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. અનેક વિસ્તારોમાં તો રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

આવી સ્થિતિમાં પગપાળા નીકળતા લોકો અને વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે AMCની બેદરકારીને કારણે તેમને જીવના જોખમે રસ્તાઓ પર નીકળવું પડે છે.
તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ
ચાણક્યપુરીના રહીશોનો આક્રોશ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં તેમના વિસ્તારમાં આ જ પ્રકારની સમસ્યા સર્જાય છે. પાણીના નિકાલ માટે તેઓએ અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

લોકોએ AMCની નબળી કામગીરી સામે રોષ ઠાલવ્યો છે. જનતાનો સવાલ છે કે જ્યારે સરકાર તેમની પાસેથી રોડ ટેક્સ, વીજ ટેક્સ અને અન્ય સુવિધાઓ માટે ટેક્સ વસૂલે છે, ત્યારે પોતાની પ્રાથમિક જવાબદારી નિભાવવામાં કેમ પાછળ રહે છે?











