પોલીસે આરોપી રોહિત ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી, તેની પાસેથી ચાંદીનો ઝુડો, પાયલની જોડી, સોનાની 2 વીંટી, 1 જોડી બુટી અને સોનાનું પેન્ડન્ટ કબજે કર્યું છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગુનેગાર ભલે ગમે તેટલો ચાલાક હોય, કાયદાના હાથ લાંબા હોય છે.

ગાંધીનગર, ગુરૂવાર
ગાંધીનગરના ગલુદણ ગામમાં થયેલી એક ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. ડભોડા પોલીસે પીનાકીન અંબાલાલ ઠાકોરના ઘરેથી 90,000ના સોના-ચાંદીના દાગીના ચોરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ચોર કોઈ બહારનો નહીં, પરંતુ ભોગ બનનારનો પાડોશી જ નીકળ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલા તમામ દાગીના કબજે કર્યા છે.
શું હતી ઘટના?
આ ઘટના ગત 9 માર્ચના રોજ ગલુદણ ગામના નવા વાસમાં બની હતી. પીનાકીન અંબાલાલ ઠાકોર, જેઓ ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે, તે દિવસે બપોરે પોતાની પત્ની સાથે ખેતરે ગયા હતા. તેમનો 13 વર્ષનો દીકરો ઘરની બહાર રમતો હતો. જ્યારે પરિવાર સાંજે ઘરે પાછો ફર્યો, ત્યારે ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોઈને તેઓ ચોંકી ઉઠ્યા. ઘરમાં પ્રવેશતા જ પીપડા અને પેટીના તાળા પણ તૂટેલા હતા અને ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે અંદરથી 90,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના ગાયબ હતા.
દીકરાની જુબાનીથી ભાંડો ફૂટ્યો
પીનાકીન ઠાકોરે પોતાના દીકરાને પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે બાજુમાં રહેતા રોહિત અશોકજી ઠાકોરે ઘરનું તાળું તોડ્યું હતું. આ જાણકારી મળતા જ પીનાકીન ઠાકોર તાત્કાલિક રોહિતના ઘરે પહોંચ્યા. રોહિતે દાગીના લીધા હોવાની કબૂલાત કરી હતી અને બીજા દિવસે પરત આપવાનું વચન પણ આપ્યું. જોકે, ત્યારબાદ રોહિત ફરાર થઈ ગયો અને દાગીના પરત આપતો નહોતો.
પોલીસે દહેગામથી દબોચ્યો
ડભોડા પોલીસને આ અંગે બાતમી મળી હતી કે, આરોપી રોહિત ચોરાયેલા દાગીના લઈને દહેગામમાં વેચવા માટે નીકળ્યો છે અને હાલમાં તે વડોદરા પાટિયા પાસે ઉભો છે. આ ગુપ્ત માહિતીના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કોર્ડન કરીને રોહિત ઠાકોરને ઝડપી પાડ્યો.











