જનજાગૃતિ માટે પણ મનપા દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોમાં પત્રિકા વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, શહેરના વિવિધ 50 જેટલા સ્થળોએ ડેન્ગ્યુ વિરોધી જુન માસના હોર્ડિંગ્સ અને 60 ડિજિટલ હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે, જેથી નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા અને સાવચેતી રાખવા અંગે જાગૃત કરી શકાય.

ગાંધીનગર, ગુરૂવાર
ચોમાસાની વર્તમાન સીઝનમાં અને ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસની ઉજવણીના ભાગરૂપે, ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાહકજન્ય રોગોને અંકુશમાં લેવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી છે. આ પ્રયાસોમાં વ્યાપક સર્વેક્ષણ, ફોગિંગ અને અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શામેલ છે, જેનો ઉદ્દેશ્ય નાગરિકોને મચ્છરજન્ય બીમારીઓથી સુરક્ષિત રાખવાનો છે.
જુન મહિનામાં હાઉસ-ટુ-હાઉસ સર્વેનો પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, 21થી 31 જુલાઈ દરમિયાન બીજા રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત 184 ટીમો દ્વારા અત્યાર સુધીમાં આશરે 96,000 ઘરોનો વ્યાપક સર્વે કરવામાં આવ્યો છે.
સર્વે અને પોરાનાશક કામગીરી
સર્વે દરમિયાન કુલ 2.06 લાખ જેટલા પાણીના પાત્રોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી 3,216 પાત્રોમાં મચ્છરના પોરા મળી આવતા, તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કુલ 3,168 ઘરોમાં ફોગિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી જેથી પુખ્ત મચ્છરોનો પણ નાશ કરી શકાય.

ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ
મનપાએ આ ઝુંબેશમાં બે વાહન પર લગાવેલા મશીનો દ્વારા સમગ્ર વિસ્તારમાં કોલ્ડ ફોગિંગનો રાઉન્ડ પણ પૂર્ણ કર્યો છે. નોંધનીય છે કે, મહાનગરપાલિકાએ દુર્ગમ વિસ્તારો સુધી પહોંચવા માટે ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે. જે સ્થળોએ માનવીય પહોંચ શક્ય નથી, ત્યાં ડ્રોન દ્વારા સર્વે કરીને 932 સંભવિત મચ્છર બ્રીડિંગ સ્થળોની ઓળખ કરવામાં આવી હતી. તેમાંથી 720 સ્થળો પર ગ્રાઉન્ડ ટીમો દ્વારા રૂબરૂ મુલાકાત લઈ બ્રીડિંગ સ્થળોનો નાશ કરવામાં આવ્યો. બાકીના અગમ્ય સ્થળો પર ડ્રોન દ્વારા જ દવાનો છંટકાવ કરીને મચ્છરોના પ્રજનન પર અંકુશ મેળવવામાં આવ્યો છે.
રાત્રી સર્વે અને જનજાગૃતિ
દિવસ દરમિયાન સર્વેમાં આવરી ન શકાય તેવા વિસ્તારો જેવા કે સેક્ટર 5, 6, 7, 11, 13, 29ના છાપરાવાળા વિસ્તારો આદિવાડા, ધોળાકુવા મેટ્રો સાઈટ અને સેક્ટર 22માં સ્થળાંતરિત મજૂરો માટે રાત્રી દરમિયાન ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ રાત્રી સર્વેમાં તાવના કેસોની તપાસ અને પોરાનાશક કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.











