હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી વરસાદનું જોર વધુ ઘટી શકે છે.

અમદાવાદ, શનિવાર
ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. શુક્રવાર, 1 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના ફક્ત 27 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે, જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 15 મિમિ વરસાદ પડ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ઝરમર વરસાદ જ જોવા મળ્યો છે અને ક્યાંય ભારે વરસાદ નોંધાયો નથી.
27 તાલુકામાં ઝરમર વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ, 1 ઓગસ્ટના રોજ 27 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ઉમરપાડામાં 15 મિમિ, કુકરમુંડામાં 8 મિમિ, દાંતા, ડેડિયાપાડા અને મહુવામાં 7 મિમિ, નિઝરમાં 6 મિમિ, રાજુલામાં 5 મિમિ અને કામરેજમાં 4 મિમિ વરસાદ વરસ્યો છે. આ સિવાયના 19 તાલુકામાં 3 મિમિ સુધીનો જ વરસાદ પડ્યો હતો.
આગામી 7 દિવસ સામાન્ય વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી વરસાદનું જોર વધુ ઘટી શકે છે. આ સમયગાળામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડી શકે છે. 5 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે 6 ઓગસ્ટથી વરસાદની એક્ટિવિટી ફરી વધવાની શક્યતા છે.
રાજ્યમાં સિઝનનો 62.93% વરસાદ નોંધાયો
1 ઓગસ્ટ, 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 62.93% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પ્રદેશવાર વરસાદની વાત કરીએ તો, કચ્છમાં 64.16%, ઉત્તર ગુજરાતમાં 65.38%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.84%, સૌરાષ્ટ્રમાં 55.09% અને દક્ષિણ ગુજરાતમાં 66.93% વરસાદ વરસ્યો છે.
જળાશયોની સ્થિતિ: ડેમમાં પૂરતો પાણીનો સંગ્રહ
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના આંકડા મુજબ, 1 ઓગસ્ટની સાંજે 4 વાગ્યા સુધીમાં સરદાર સરોવર ડેમમાં 274454 mcft પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 82.15% છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 375105 mcft પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 67.21% છે. હાલ 30 ડેમ 100% ભરાયેલા છે, 52 ડેમ હાઈ એલર્ટ પર છે અને 23 ડેમ એલર્ટ પર છે.











