ગાંધીનગરમાં દારૂની મોટી હેરાફેરી નિષ્ફળ: LCBએ ક્રેટા ગાડીમાંથી 12.90 લાખનો મુદ્દામાલ ઝડપ્યો, કારચાલક ફરાર

પોલીસનો પીછો કરતાં, કારચાલક કલોલ, સિંદબાદ અને તેરસાપરા ચોકડી થઈને વાવોલ-પુન્દ્રાસણ રોડ પર પહોંચ્યો. સેફ્રોન હાઈટ્સ નજીક તે ગાડી ચાલુ હાલતમાં મૂકીને ઝાડીઓમાં થઈને ફરાર થઈ ગયો.

ગાંધીનગર, સોમવાર
ગાંધીનગર જિલ્લામાં બુટલેગરોની દારૂની હેરાફેરીનો વધુ એક મોટો પ્રયાસ નિષ્ફળ ગયો છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ વાવોલ-પુન્દ્રાસણ રોડ પરથી 12.90 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક ક્રેટા કારમાંથી આ દારૂ જપ્ત કર્યો હતો, જોકે પોલીસની રેડ દરમિયાન કારચાલક ઝાડીઓમાં છુપાઈને નાસી છૂટ્યો હતો.

જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ આંતરરાજ્ય સરહદો પર ગેરકાયદેસર દારૂની હેરફેર અટકાવવા માટે ખાસ સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે, LCB પીઆઇ એચ.પી. પરમારની ટીમે ટેકનિકલ અને સ્થાનિક સોર્સિસના આધારે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.

મહેસાણાથી અમદાવાદ જતી ક્રેટા પર વોચ
પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ ક્રેટા કાર (નંબર GJ-02-EG-7106) મહેસાણાથી છત્રાલ થઈને અમદાવાદ તરફ ગેરકાયદેસર વિદેશી દારૂ લઈને જઈ રહી છે. આ બાતમીના આધારે, LCBની ટીમે છત્રાલ બ્રિજ નજીક બેરીકેટિંગ ગોઠવીને વોચ રાખી હતી. જ્યારે શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થઈ, પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો. જોકે, કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે તેને પૂરપાટ ઝડપે ભગાવી દીધી.

ચાલક ગાડી છોડીને ફરાર
પોલીસનો પીછો કરતાં, કારચાલક કલોલ, સિંદબાદ અને તેરસાપરા ચોકડી થઈને વાવોલ-પુન્દ્રાસણ રોડ પર પહોંચ્યો. સેફ્રોન હાઈટ્સ નજીક તે ગાડી ચાલુ હાલતમાં મૂકીને ઝાડીઓમાં થઈને ફરાર થઈ ગયો. પોલીસે તાત્કાલિક ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 624 બોટલ મળી આવી, જેની કિંમત 2,90,400 હતી. આ દારૂ અને 10,00,000ની ક્રેટા ગાડી સહિત પોલીસે કુલ 12,90,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!