અમેરિકા શરૂઆતથી જ ભારત સાથેની વેપાર વાટાઘાટોમાં કૃષિ અને ડેરી ક્ષેત્રમાં એક્સેસ મેળવવા માગતું હતું. પરંતુ ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે આ સેક્ટરમાં કોઈ સમાધાન કરશે નહીં.

નવી દિલ્હી, ગુરૂવાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લગાવવાના નિર્ણય બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આકરો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત તેના ખેડૂતોના હિતો સાથે કોઈ પણ ભોગે સમાધાન નહીં કરે.
તાજેતરમાં, ટ્રમ્પે રશિયા સાથેના ઓઈલ વેપારને કારણે ભારત પર વધારાના 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ પહેલા, તેમણે ભારતીય સામાન પર 25% ટેરિફ લાદ્યો હતો. આ બંને ટેરિફને ભેગા કરીને, અમેરિકાએ હવે ભારત પર કુલ 50% ટેરિફ લગાવી દીધો છે.
ભારત ખેડૂતો અને માછીમારોના હિતોનું રક્ષણ કરશે
દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું કે, “ખેડૂતોનું હિત ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.” તેમણે ઉમેર્યું કે ભારત ક્યારેય ખેડૂતો, માછીમારો અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના હિતો સાથે કોઈ સમાધાન કરશે નહીં. પીએમ મોદીએ કહ્યું, “જો ખેડૂતોના હિતોની રક્ષા માટે મારે કોઈ કિંમત ચૂકવવી પડે, તો હું તેના માટે તૈયાર છું.”
નોંધનીય છે કે અમેરિકા શરૂઆતથી જ ભારત સાથેની વેપાર વાટાઘાટોમાં કૃષિ અને ડેરી ક્ષેત્રમાં એક્સેસ મેળવવા માગતું હતું. પરંતુ ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે આ સેક્ટરમાં કોઈ સમાધાન કરશે નહીં.
ટ્રમ્પ હવે સેકન્ડરી સેક્શન્સ લગાવવાની તૈયારીમાં
50% ટેરિફ લગાવ્યા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પ સંતુષ્ટ નથી. તેમણે જણાવ્યું છે કે રશિયા સાથે વેપાર કરવા બદલ તેઓ ભારત પર સેકન્ડરી સેક્શન્સ પણ લગાવશે. ટ્રમ્પના મતે, ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના મામલે ચીનની ખૂબ નજીક છે.
સેકન્ડરી સેક્શન્સ એ એક પ્રકારનો આર્થિક પ્રતિબંધ છે જે એવા દેશ (ભારત) પર લાદવામાં આવે છે જે કોઈ એવા દેશ (રશિયા) સાથે વેપાર કરે છે જેના પર પહેલાથી જ પ્રાયમરી સેક્શન્સ લાગુ થયેલા હોય.










