15મી ઓગસ્ટે ગાંધીનગરના સેક્ટર 7-Aમાં આવેલા ભારતમાતા મંદિરમાં હેપ્પી યુથ ક્લબ, લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

ગાંધીનગર, સોમવાર
સ્વતંત્રતા દિવસના પાવન પર્વ નિમિત્તે દેશના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગરમાં એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખો કેમ્પ હેપ્પી યુથ ક્લબ, લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના, અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાશે.
આ કેમ્પનું આયોજન આવતી 15મી ઓગસ્ટ, 2025ના રોજ સવારે 9થી બપોરના 12 વાગ્યા સુધી ગાંધીનગરના સેક્ટર-7Aમાં આવેલા ભારતમાતા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત એકત્રિત કરવાનો અને સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે.
કેમ્પમાં રક્ત એકત્રિત કરવાની સેવા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકની ટીમ દ્વારા આપવામાં આવશે, જેથી એકત્ર થયેલું રક્ત યોગ્ય રીતે સ્ટોર થઈ શકે અને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી સમયસર પહોંચી શકે. આ રક્ત અકસ્માત, ઓપરેશન, કે અન્ય ગંભીર બીમારીઓની સારવારમાં ખુબ જ ઉપયોગી થશે.
આ પ્રસંગે રક્તદાન કરનાર દરેક ડોનરને સંસ્થા દ્વારા એક સન્માનપત્ર અને “રક્તદાતા પ્રોત્સાહન કિટ” આપીને સન્માનિત કરવામાં આવશે. આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે શહેરના તમામ રક્તદાતાઓ અને યુવાનોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રકારના સમાજ સેવાના કાર્યો થકી યુવાનોમાં સેવા ભાવના અને દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને છે.











