જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો સામે એક નવો પડકાર ઉભરી રહ્યો છે બેડરૂમ જિહાદી. આ લોકો હથિયાર વગર સોશિયલ મીડિયા દ્વારા અશાંતિ ફેલાવી રહ્યા છે. જાણો આ સાયબર આતંકવાદની નવી પેટર્ન વિશે.

જમ્મુ કાશ્મીર, બુધવાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલા ઓપરેશન્સમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી રહી છે, પરંતુ હવે તેમને એક નવી અને છૂપી ચેલેન્જનો સામનો કરવો પડી રહ્યો છે. આ નવો ખતરો બેડરૂમ જિહાદી તરીકે ઓળખાય છે, જેઓ હથિયારોને બદલે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ આ લોકો ઘરની બહાર નીકળ્યા વગર જ આતંકવાદી ષડયંત્ર રચે છે. તેઓ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવીને અને યુવાનોને ઉશ્કેરીને હિંસા ભડકાવવાનો પ્રયાસ કરે છે. સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં પાકિસ્તાની આતંકવાદી જૂથો સાથે જોડાયેલા એક મોટા સોશિયલ મીડિયા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
પાકિસ્તાનથી ઓપરેટ થતું નેટવર્ક
સુરક્ષા અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે આ ડિજિટલ નેટવર્ક્સ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો દ્વારા ચલાવવામાં આવે છે. આ નેટવર્ક ભારતના ડિજિટલ સ્પેસમાં ઘૂસણખોરી કરીને કાશ્મીર ખીણમાં સાંપ્રદાયિક હિંસા અને નફરત ફેલાવવાનું કામ કરે છે. તેઓ પરંપરાગત હથિયારોથી લડવાને બદલે શબ્દો અને અફવાઓથી અશાંતિ ફેલાવે છે. એક અધિકારીના મતે, આ નવી પેઢીના જિહાદી ક્યાંય પણ બેઠા બેઠા કમ્પ્યુટર કે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને યુદ્ધ જેવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નવા જોખમનો ઇતિહાસ
સુરક્ષા એજન્સીઓએ સૌથી પહેલા 2017માં આ પ્રકારના ષડયંત્રનો ખુલાસો કર્યો હતો, પરંતુ 2019માં જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આ પ્રવૃત્તિઓ પર અમુક અંશે લગામ લાગી હતી. જોકે, ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પછી બેડરૂમ જિહાદી ફરી સક્રિય થઈ ગયા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી તપાસમાં હજારો સોશિયલ મીડિયા પોસ્ટ્સ, નિવેદનો અને પર્સનલ મેસેજીસની તપાસ કરવામાં આવી. આ એનાલિસિસ પરથી પાકિસ્તાન સાથે જોડાયેલા જૂથો અને હેન્ડલર્સ વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે.
એક ક્લિકથી તબાહીનો પ્રયાસ
સુરક્ષા એજન્સીઓએ આ લોકોને “બેડરૂમ જિહાદી” નામ આપ્યું છે. આ લોકો વર્ચ્યુઅલ યુદ્ધના મેદાનમાં હથિયારોને બદલે શબ્દોથી લડી રહ્યા છે. તેઓ યુવાનોના મગજ પર અસર કરીને અફવાઓ ફેલાવવામાં પૂરી તાકાત લગાવી રહ્યા છે. અધિકારીઓના કહેવા મુજબ, “કોઈ પણ વ્યક્તિ પોતાના બેડરૂમમાં કે સોફા પર બેસીને હજારો ચેટ ગ્રુપ્સમાંથી કોઈ એકમાં એક ખોટી ન્યૂઝ મૂકી શકે છે અને આખા વિસ્તારમાં તોફાનો ભડકાવી શકે છે, જેનાથી સાંપ્રદાયિક તણાવ વધી શકે છે.”











