અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં 45 વર્ષના દર્દીનું મૃત્યુ થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. ડોક્ટરોની બેદરકારીના આક્ષેપો સાથે લાકડીઓ લઈને આવેલા ટોળાને પોલીસે સમજાવીને મામલો થાળે પાડ્યો. હોસ્પિટલના વહીવટી તંત્ર સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે.

અમદાવાદ, બુધવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરસપુરની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર દર્દીની સારવારને લઈને વિવાદમાં સપડાઈ છે. મોડી રાત્રે છાતીના દુખાવાની ફરિયાદ સાથે આવેલા એક 45 વર્ષના દર્દીના મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટના બાદ ગોમતીપુરથી દર્દીના સગાઓ લાકડીઓ લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા, જેને પગલે પરિસ્થિતિ તંગ બની હતી.
મળતી માહિતી મુજબ, ગોમતીપુરના પુજારીની ચાલીમાં રહેતા સાલેહા ફિરોજ અખ્તરને રાત્રે લગભગ 2.37 વાગ્યે છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક શારદાબેન હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. દર્દીના પરિવારજનોનો ગંભીર આરોપ છે કે હોસ્પિટલમાં ફરજ પરના સિનિયર તબીબ હાજર ન હતા અને જુનિયર તબીબોને CPR જેવી પ્રાથમિક સારવાર પણ યોગ્ય રીતે આપતા આવડતી ન હતી. સમયસર અને યોગ્ય સારવારના અભાવે દર્દીનું થોડા જ સમયમાં મૃત્યુ થયું હતું.
દર્દીના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. તેમને લાગ્યું કે ડોક્ટરોની બેદરકારીના કારણે જ દર્દીનું મૃત્યુ થયું છે. આથી, ગુસ્સે ભરાયેલા પરિવારજનો અને તેમના સંબંધીઓ લાકડીઓ સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ડોક્ટરોને બહાર કાઢવા માટે બૂમાબૂમ કરી હતી. હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફએ તેમને રોક્યા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો.
આ ઘટનાએ ફરી એકવાર AMC સંચાલિત હોસ્પિટલોના વહીવટી તંત્ર પર સવાલો ઊભા કર્યા છે. નોંધનીય છે કે શારદાબેન, VS અને LG જેવી મહત્વપૂર્ણ હોસ્પિટલોમાં હજુ સુધી કાયમી સુપરિટેન્ડેન્ટની નિમણૂક થઈ શકી નથી. છેલ્લા 3 વખતથી જાહેરાત આપવા છતાં કોઈ ડોક્ટર આ પદ સંભાળવા તૈયાર નથી. નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી યોગ્ય વહીવટી અને મેડિકલ વ્યવસ્થા સંભાળનાર કોઈ જવાબદાર અધિકારી નહીં હોય, ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે.











