વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે ગુજરાતની મુલાકાત લેવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વતન વડનગર અને બેચરાજી જશે. જાણો તેમના કાર્યક્રમની વિગતવાર માહિતી અને શું છે ખાસ.

અમદાવાદ, ગુરૂવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત સરકારના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે. આ પ્રવાસમાં અનેક મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ થવાની શક્યતા છે.
વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું લોકાર્પણ થાય તેવી સંભાવના છે. આ હબથી આ ક્ષેત્રમાં કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશનમાં સુધારો થશે. આ ઉપરાંત, વડાપ્રધાન બેચરાજી પાસે આવેલા સુઝુકી મોટર્સના પ્લાન્ટની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરી શકે છે. જોકે, હજુ સુધી વડાપ્રધાન કાર્યાલય તરફથી આ કાર્યક્રમનો ઓફિશિયલ અને સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ સરકાર સ્તરે આ પ્રવાસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
રાજભવનમાં રાત્રિ રોકાણ અને ભાજપના નેતાઓ સાથે બેઠક
વડાપ્રધાન મોદી 24 ઓગસ્ટના રોજ બપોર પછી અમદાવાદ પહોંચશે અને ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. આ સમય દરમિયાન તેઓ ગુજરાત સરકારના મંત્રીઓ અને ભાજપના કેટલાક મહત્વના નેતાઓ સાથે બેઠક યોજી શકે છે. આ બેઠકમાં રાજકીય અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પણ કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. વડાપ્રધાનનો આ પ્રવાસ ગુજરાતના વિકાસ પ્રોજેક્ટ્સને વધુ ગતિ આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.











