ગુજરાતમાં આગામી 19 ઓગસ્ટ સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. જાણો સંપૂર્ણ વિગત.

અમદાવાદ, શનિવાર
રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે વરસાદને લઈને એક મોટું અપડેટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આજે લગભગ બધે જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસીઓ માટે, કારણ કે અહીં વરસાદ ધડબડાટી બોલાવી શકે છે.
સાઉથ ગુજરાત અને મુખ્ય શહેરો એલર્ટ પર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. આ લિસ્ટમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે, જ્યાં ભારે વરસાદની પૂરી શક્યતા છે.
એકસાથે ત્રણ વેધર સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં 19 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. આ પાછળનું મુખ્ય કારણ એકસાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમનું સક્રિય થવું છે. આ સિસ્ટમ્સને કારણે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા અને આણંદ જેવા મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે.
IMDનું નેશનલ ફોરકાસ્ટ શું કહે છે?
ભારતીય હવામાન વિભાગ એ પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આગામી છ દિવસ દેશના પશ્ચિમ કિનારા માટે મહત્વના છે. ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને 16 થી 18 ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવામાં, જ્યારે 17 અને 18 ઓગસ્ટે મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે. ગુજરાત માટે 18 ઓગસ્ટનો દિવસ ખાસ કરીને ભારે વરસાદવાળો રહી શકે છે. આ બધી અસર દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે બનેલા લો-પ્રેશર એરિયાને કારણે છે.
દેશભરમાં વરસાદી માહોલ
દેશના અન્ય ભાગોની વાત કરીએ તો, ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી સાત દિવસ સુધી પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ ચાલુ રહેશે. 16 થી 19 ઓગસ્ટ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળશે. દક્ષિણ ભારતમાં કર્ણાટક અને તેલંગાણાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે નોર્થ-ઈસ્ટમાં પણ આવનારા સાત દિવસ સુધી અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.











