અમદાવાદમાં આજે સવારથી ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સાબરમતી નદીનું લેવલ વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા. જાણો લેટેસ્ટ અપડેટ.

અમદાવાદ, શનિવાર
અમદાવાદ શહેરમાં આજે સવારથી જ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે સવારથી ઓફિસ અને કામે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ જોવા મળી હતી.
ક્યાં ક્યાં વિસ્તારો થયા પ્રભાવિત?
શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. ખાસ કરીને નરોડાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. આ સિવાય SG હાઇવે, વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, પાલડી, સીજી રોડ, ઇસ્કોન, બોપલ-ઘુમા તેમજ કોટ વિસ્તાર જેવા કે જમાલપુર, ખાડિયા અને લાલદરવાજામાં પણ ભારે વરસાદ નોંધાયો છે.
ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, 19 ઓગસ્ટ સુધી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે. વિભાગ દ્વારા આગામી 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
વાસણા બેરેજના દરવાજા ખોલાયા, સાબરમતી નદી બે કાંઠે
ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. પાણીના વધતા level ને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદમાં આવેલા વાસણા બેરેજના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વાસણા બેરેજના 4 દરવાજા 1.5 ફૂટ અને 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ નદીમાં 5800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડાયું છે. સાબરમતી નદીનું હાલનું લેવલ 40 મીટરે પહોંચી ગયું છે.











