ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના ASI વિષ્ણુભાઈ નારણભાઈએ નર્મદા કેનાલમાં આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલા એક યુવક અને યુવતીને બહાદુરીપૂર્વક બચાવ્યા. તેમની સમયસરની કાર્યવાહીથી બે જીવ બચ્યા, જેના માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા.

ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગરમાં ફરજ પર હાજર પોલીસકર્મીઓએ એકવાર ફરીથી તેમની કર્તવ્યનિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીના બંદોબસ્તમાં તૈનાત, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) વિષ્ણુભાઈ નારણભાઈએ નર્મદા કેનાલમાં આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલા એક યુવક અને યુવતીનો જીવ બચાવીને પ્રસંશનીય કામગીરી કરી છે.
આ ઘટનાગાંધીનગરના કોબાથી ઈન્દિરાબ્રિજ રોડ પર આવેલી નભોઈ કેનાલ પાસે બની હતી. બપોરના લગભગ 1:30 વાગ્યાના સુમારે, ASI વિષ્ણુભાઈએ કેનાલમાં કૂદતા યુવક-યુવતીને જોયા. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને, તેમણે સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત જ કેનાલમાં છલાંગ લગાવી.
સ્થાનિક લોકોની મદદથી તેમણે બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. આ ઘટના દર્શાવે છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ નહીં, પણ મુશ્કેલીના સમયમાં લોકોના જીવ બચાવવા માટે પણ હંમેશા તત્પર રહે છે. બંને યુવક-યુવતીને બચાવ્યા બાદ, તેમને તરત જ ગાંધીનગરના ‘જીવન આસ્થા કેન્દ્ર’ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. બાદમાં તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
ASI વિષ્ણુભાઈની આ બહાદુરી અને સમયસૂચકતા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા છે અને તેમની કામગીરીને બિરદાવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાત પોલીસના જવાનો લોકોની સુરક્ષા અને જીવન બચાવવા માટે હંમેશા તૈયાર હોય છે.











