નર્મદા કોર્ટે સાત વર્ષની સજા ફટકાર્યા બાદ, ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત ૫ આરોપીઓને જામીન આપ્યા છે, જ્યારે મુખ્ય આરોપી ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરી છે.

ગુજરાત હાઈકોર્ટે ૨૦૨૩ના વન વિભાગના અધિકારી સાથેના વિવાદ અને હિંસક ઘટનામાં નર્મદાની ટ્રાયલ કોર્ટ દ્વારા સાત વર્ષની કેદની સજા પામેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને અન્ય ચાર દોષિતોના જામીન મંજૂર કર્યા છે. જોકે, મુખ્ય આરોપી અને ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ રાહત મળી નથી.
શું હતો સમગ્ર મામલો?
-
ઘટનાની વિગત: ૨૦૨૩માં વન વિભાગના અધિકારીઓએ વન જમીન પરના દબાણને દૂર કરીને કપાસનો પાક જપ્ત કર્યો હતો. આ બાબતે ચૈતર વસાવાએ અધિકારીને પોતાના ઘરે બોલાવી મારપીટ કરી, ધમકી આપી અને રૂ. ૬૦,૦૦૦ના વળતરની માગણી કરી હતી.
-
ગંભીર આરોપો: તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ચૈતર વસાવાએ અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, રિવોલ્વરથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને કર્મચારીઓને એટીએમમાંથી નાણાં ઉપાડીને ખેડૂતને આપવા મજબૂર કર્યા હતા.
-
ટ્રાયલ કોર્ટનો ચુકાદો: નર્મદાની ટ્રાયલ કોર્ટે ૨૩ જૂને ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને સરકારી ફરજમાં રૂકાવટ, ધમકી આપવી, અને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવી ૭ વર્ષની કેદ તથા રૂ. ૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.
હાઈકોર્ટનો આદેશ:
સજા સામેની અપીલ પેન્ડિંગ હોવાથી જામીન માટે કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે શકુંતલા વસાવા, રમેશ વસાવા, મરિયમ વસાવા, બલીરામ વસાવા અને મોગરાબેન વસાવાને જામીન આપ્યા છે. કોર્ટે નોંધ્યું કે આ પાંચ આરોપીઓ મુખ્ય ગુનામાં સીધા સંડોવાયેલા નહોતા અને તેમની સામે કોઈને ઈજા પહોંચાડવાનો આરોપ નથી. બીજી તરફ, ફાયરિંગ અને ધમકી આપવાના મુખ્ય આરોપો હેઠળ ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા નથી.










