ગગનયાન: ઈસરોને મળી મોટી સફળતા, મિશન માટે Airdrop ટેસ્ટ સફળ

ગગનયાન મિશનની તૈયારીઓમાં ઈસરોને મળી મોટી સફળતા. ભારતીય વાયુસેનાના સહયોગથી પેરાશૂટ-આધારિત Airdrop સિસ્ટમનું સફળ પરીક્ષણ. જાણો મિશન વિશેની અગત્યની વિગતો અને ભવિષ્યની યોજનાઓ.

નવી દિલ્હી, સોમવાર
ગગનયાન મિશન માટે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) ની તૈયારીઓ હવે ટોપ ગિયર પર છે. તાજેતરમાં, ઈસરોએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે: પેરાશૂટ-આધારિત ડિસેલેરેશન સિસ્ટમનો સફળ Airdrop Test. આ ટેસ્ટ ભારતીય વાયુસેના (IAF) ના સહયોગથી કરવામાં આવ્યો હતો.

આ પરીક્ષણ ગગનયાન મિશનની પેરાશૂટ સિસ્ટમ માટે એક મોટો માઈલસ્ટોન છે. ISRO, ભારતીય વાયુસેના, DRDO, ભારતીય નૌકાદળ, અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત પ્રયાસોથી આ ટેસ્ટ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો. આ સિસ્ટમ મિશનના અંતમાં અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા માટે ખુબ જ અગત્યની છે.

ગગનયાન ભારતનું માનવ મિશન
ગગનયાન મિશન એ ભારતનું પહેલું માનવ અંતરિક્ષ ઉડાન મિશન છે. આ મિશન હેઠળ 4 અવકાશયાત્રીઓને 3 દિવસ માટે 400 કિલોમીટરની લો-અર્થ ઓર્બિટમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.

આ વર્ષના અંત સુધીમાં, પહેલા માનવરહિત ટેસ્ટ ફ્લાઇટની યોજના છે, જેમાં ‘વ્યોમમિત્ર’ નામનો રોબોટ મોકલવામાં આવશે. આ ટેસ્ટ ફ્લાઇટ મિશનની સુરક્ષા અને કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમ (SMPS) પણ સફળ

તાજેતરમાં, ઈસરોએ ગગનયાન મિશન માટે સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમ (SMPS) નું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ સિસ્ટમ બે અલગ-અલગ ફ્યુઅલ પર ચાલે છે અને મિશન દરમિયાન અવકાશયાનને યોગ્ય ભ્રમણકક્ષામાં રાખવા, તેની દિશા નિયંત્રિત કરવા, ગતિ ધીમી કરવા, અને કટોકટીમાં અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે કામ કરે છે. આ સિસ્ટમનું પરફોર્મન્સ અપેક્ષા મુજબ સામાન્ય રહ્યું, જે વૈજ્ઞાનિકો માટે એક સારા સમાચાર છે.

ઈસરોનું ભવિષ્ય: આગામી લક્ષ્યો અને યોજનાઓ
ઈસરોની ભવિષ્યની યોજનાઓ ખુબ જ મહત્વકાંક્ષી છે. ગગનયાન-1 મિશન આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થવાનું છે, જ્યારે ભારત 2027માં તેની પ્રથમ માનવયુક્ત અવકાશ ઉડાન ભરશે.

આ ઉપરાંત, 2028 માં ચંદ્રયાન-4 અને શુક્ર મિશનની પણ યોજના છે. ઈસરોનું અલ્ટિમેટ લક્ષ્ય 2035 સુધીમાં ‘ભારતીય સ્પેસ સ્ટેશન’ સ્થાપિત કરવાનું અને 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીય અવકાશયાત્રીઓને મોકલવાનું છે. આ તમામ મિશનો ભારતને વૈશ્વિક સ્પેસ પાવર તરીકે સ્થાપિત કરશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!