રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પુતિનનો સાથ આપવા માટે કિમ જોંગ ઉનએ પોતાના સૈનિકોને મોકલ્યા હતા. આ યુદ્ધમાં શહીદ થયેલા પોતાના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતી વખતે કિમ જોંગ ઉન પહેલીવાર જાહેરમાં રડતા જોવા મળ્યા.

ઉત્તર કોરિયા, શનિવાર
દુનિયાના સૌથી ખુંખાર અને કડક મિજાજના તાનાશાહ તરીકે ઓળખાતા ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન પહેલીવાર ભાવુક થયા છે અને જાહેરમાં રડતા જોવા મળ્યા છે. આ મોકો હતો રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયા માટે લડતા શહીદ થયેલા ઉત્તર કોરિયાના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો.
ખાસ વાત એ છે કે, કિમ જોંગ ઉન જાહેરમાં ભાગ્યે જ કોઈની સામે રડતા જોવા મળે છે, પરંતુ આ વખતે તેઓ એટલા ભાવુક થઈ ગયા કે તેમને પોતાના આંસુ રોકવા મુશ્કેલ બની ગયા હતા.
શહીદોને શ્રદ્ધાંજલિ આપતા ભાવુક થઈ ગયા કિમ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે કિમ જોંગ ઉન યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં શહીદ થયેલા પોતાના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. આ દરમિયાન કિમ જોંગ ઉન ઘૂંટણિયે બેસીને શહીદોની તસવીરો પર મેડલ લગાવી રહ્યા હતા અને આ દરમિયાન જ તેઓ રડી પડ્યા હતા. એક અન્ય વિડીયોમાં તેઓ એક શહીદ સૈનિકની નાની દીકરીને વહાલ કરતા અને તેને માથે ચુંબન કરતા જોવા મળે છે, આ સમયે પણ તેઓ ભાવુક થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, કિમ જોંગ ઉનએ પોતાના ખાસ મિત્ર રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને મદદ કરવા માટે હજારો ઉત્તર કોરિયાઈ સૈનિકોને યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં મોકલ્યા હતા. આ યુદ્ધમાં સેંકડો સૈનિકો શહીદ થયા હતા, જેમનો મૃતદેહ રશિયાના વિમાનો દ્વારા પાછો ઉત્તર કોરિયા મોકલવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને કિમ જોંગ ઉન અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે કુર્સ્ક ક્ષેત્રમાં થયેલા મિલિટરી ઓપરેશનમાં ભાગ લેનારા સૈનિકોની બહાદુરીની પ્રશંસા કરીને તેમનું સન્માન પણ કર્યું હતું.
કિમ જોંગ ઉનએ શું કહ્યું?
ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી KCNA (કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી)ના રિપોર્ટ મુજબ, કિમ જોંગ ઉનએ કહ્યું કે, DPRK (ઉત્તર કોરિયા)ના સૈનિકોએ આખી દુનિયા સામે કોરિયન લોકોની અદમ્ય ભાવના અને કોરિયન સેનાની અસાધારણ યુદ્ધ ક્ષમતાઓને દર્શાવી છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોએ યુક્રેનિયન આર્મ્ડ ફોર્સીસ વિરુદ્ધના ખાસ ઓપરેશનમાં શહીદ થયેલા ઉત્તર કોરિયાના સૈનિકોની યાદમાં 1 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી.
કિમ જોંગ ઉનએ વધુમાં જણાવ્યું કે, આ વિદેશી મિલિટરી ઓપરેશનમાં ભાગ લેનારા બધા સૈનિકોએ “મહાન કારનામા” કર્યા છે, જે DPRKના ઈતિહાસમાં હંમેશા માટે નોંધાઈ જશે. કોરિયન પીપલ્સ આર્મી (KPA)ના સૈનિકો અને કમાન્ડરોએ “આપણા દેશના અસ્તિત્વ અને વિકાસની એક મજબૂત ગેરંટી” આપી છે.











