આણંદની અમૂલ ડેરીના ડિરેક્ટર્સ બોર્ડની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જાણો કયા કયા નેતાઓ છે રેસમાં અને શું છે ચૂંટણીનું ગણિત.

આણંદ, મંગળવાર
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ ડેરી)ની ડિરેક્ટર્સ બોર્ડની ચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાયો છે. કુલ 12 બેઠકો અને એક વ્યક્તિગત બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારીને પાવર મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે.
ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે, ભાજપના પાંચ ઉમેદવારોએ પોતાના નોમિનેશન ફાઇલ કર્યા હતા. ભાજપે ત્રણ દિવસ પહેલા ચાર બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી, જે આજે પોતાના સમર્થકો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા હતા. ઠાકરા બ્લોક પરથી પ્રિયા કૃણાલસિંહ પરમાર, બાલાસિનોર બ્લોક પરથી રાજેશ ગજાનંદ પાઠક, નડિયાદ બ્લોક પરથી વિપુલ કાંતિભાઈ પટેલ, અને વીરપુર બ્લોક પરથી શાભેસિંહ મોંઘભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. આ નોમિનેશન ભરતા પહેલા એક મીટિંગમાં સહકારી નેતા રામસિંહ પરમારે પણ અમૂલના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાજપની સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારોએ પણ એક્શનમાં આવીને પોતાના નોમિનેશન ફાઇલ કર્યા. જેમાં અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર અને તેમની સાથે નટવરસિંહ માહિડાએ બોરસદથી, જુવાનસિંહ ચૌહાણે મહેમદાવાદથી, અને પૂર્વ ડિરેક્ટર સંજય પટેલે માતર બ્લોક પરથી ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસના આ નેતાઓએ “અમૂલ બચાવો” અભિયાન હેઠળ જીતનો ક્લેમ કર્યો હતો.
આ ડિરેક્ટર્સ બોર્ડની બેઠકોની સાથે સાથે વ્યક્તિગત બેઠક માટે ભાજપના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ફુલભાઈ પટેલે પણ દાવેદારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ ભાજપની 8 જેટલી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી છે અને કોંગ્રેસ પણ પોતાની બાકીની સીટો માટે કેન્ડિડેટ્સની પસંદગીની પ્રક્રિયામાં વ્યસ્ત છે.
ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને આ ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે નોમિનેશન ફાઇલ થયા બાદ તમામ સીટો પર વિજય મેળવવાની આશા વ્યક્ત કરી હતી. આ મહત્વપૂર્ણ ચૂંટણી માટેની પ્રક્રિયા આગામી 10 સપ્ટેમ્બરે યોજાશે.











