ભાદરવી પૂનમ 2025: અંબાજી મહામેળામાં યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ, જાણો વિગતો

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2025માં 30 લાખથી વધુ યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ! નિઃશુલ્ક ભોજન, પાર્કિંગ, ડ્રોન લાઇટ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જાણો અંબાજી મેળાની તૈયારીઓ વિશે.

અંબાજી, રવિવાર
ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થઈ રહ્યું છે. બનાસકાંઠા વહીવટી તંત્ર, અંબાજી મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે 30 લાખથી વધુ યાત્રાળુઓના સ્વાગત માટે વ્યાપક તૈયારીઓ કરી છે.

દર્શન અને પદયાત્રા માટે વિશેષ વ્યવસ્થા
યાત્રાળુઓને માતાજીના દર્શન સરળ બનાવવા બસ સ્ટેન્ડથી મંદિર સુધી રેલિંગ, પીવાનું પાણી અને ઈ-રિક્ષા સુવિધા ઉભી કરાઈ છે. દિવ્યાંગ, સિનિયર સિટીઝન અને વ્હીલચેર યાત્રીઓ માટે ખાસ લાઇનની વ્યવસ્થા છે. દર્શન બાદ બહાર નીકળવા શક્તિદ્વાર, હવન શાળા અને ભેરવજી મંદિર ગેટનો ઉપયોગ થશે.

નિઃશુલ્ક ભોજન અને વૉટરપ્રૂફ ડોમ
ચાર સ્થળોએ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા છે: શ્રી અંબિકા ભોજનાલય, દિવાળી બા ગુરૂભવન, ગબ્બર તળેટી અને વ્યંકટેશ માર્બલ. પદયાત્રીઓ માટે રસ્તામાં પાણી, શરબત, મેડિકલ કેમ્પ અને ટૉયલેટની સુવિધા છે. ચાર વૉટરપ્રૂફ ડોમમાં 1200 બેડ, શૌચાલય, CCTV, મોબાઇલ ચાર્જિંગ અને અગ્નિશામક સાધનોની વ્યવસ્થા છે.

પાર્કિંગ અને બસ સેવા
35 સ્થળોએ 1,83,855 ચોરસ મીટરમાં 22,541 વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા છે. શ્રદ્ધાળુઓ “Show my Parking” ઍપ દ્વારા ઑનલાઇન બુકિંગ કરી શકશે. પાર્કિંગથી મંદિર સુધી મફત મિની બસ સેવા ઉપલબ્ધ રહેશે.

પ્રસાદ અને સુરક્ષા
28 પ્રસાદ કેન્દ્રો દ્વારા 30 લાખથી વધુ મોહનથાળના પેકેટ વિતરણ થશે. સુરક્ષા માટે 5000 જવાનો, 332 CCTV કેમેરા, ડ્રોન અને વૉચ ટાવર સાથે ત્રણ સ્તરનો બંદોબસ્ત ગોઠવાયો છે.

ડ્રોન લાઇટ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમ
3 અને 4 સપ્ટેમ્બરે રાત્રે 8:30 વાગ્યે 400 ડ્રોન દ્વારા ભવ્ય લાઇટ શો યોજાશે, જેમાં માતાજીની છબિ અને “જય માતાજી”નું લખાણ પ્રદર્શિત થશે. 1 સપ્ટેમ્બરે ગબ્બર તળેટી ખાતે સાંજે 4 થી 10 દરમિયાન રાસ-ગરબા, લોક ડાયરો અને શક્તિ થીમ આધારિત સંગીત કાર્યક્રમ યોજાશે.

થીમ આધારિત લાઇટિંગ
ગબ્બર રૂટ, મંદિર અને 51 શક્તિપીઠ સર્કલ પર થીમ આધારિત લાઇટિંગ અને ફૂલોનો શણગાર યાત્રાળુઓને આકર્ષશે. ચાચર ચોકમાં ઝગમગતી રોશની ખાસ આકર્ષણ રહેશે.

આ મહામેળો શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધુનિક સુવિધાઓનો અનોખો સમન્વય રજૂ કરશે. યાત્રાળુઓએ આ તમામ વ્યવસ્થાઓનો લાભ લઈ શાંતિપૂર્ણ યાત્રા કરવા વહીવટી તંત્રે અપીલ કરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!