અમદાવાદ SG હાઈવે પર ગોઝારો અકસ્માત: છારોડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે 21 વર્ષીય આશાસ્પદ યુવકનું કમકમાટીભર્યું મોત

અમદાવાદના SG હાઈવે પર છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં 21 વર્ષીય કથન ખરચરનું મોત થયું છે. ગાંધીનગરથી ઓફિસ જતા યુવકને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. વાંચો સંપૂર્ણ અહેવાલ.

અમદાવાદ, સોમવાર
અમદાવાદનો એસ.જી. હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. શહેરના ટ્રાફિકથી ધમધમતા આ હાઈવે પર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે આજે વધુ એક હિટ એન્ડ રનની ઘટનાએ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. SG હાઈવે પર છારોડી નજીક બનેલી આ ઘટનામાં એક 21 વર્ષીય આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે, જેને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગાંધીનગરનો રહેવાસી અને માત્ર 21 વર્ષનો કથન ખરચર નામનો યુવક રોજિંદા ક્રમ મુજબ પોતાની ઓફિસ જવા માટે નીકળ્યો હતો. કથન અમદાવાદમાં YMCA ક્લબ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તે પોતાના બાઈક પર સવાર થઈને જઈ રહ્યો હતો ત્યારે છારોડી નજીક કાળ બનીને આવેલા એક અજાણ્યા વાહનચાલકે તેના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કથન રોડ પર પટકાયો હતો અને ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક માનવતા નેવે મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક પોલીસને જાણ કરી હતી. બીજી તરફ, યુવકના મોતના સમાચાર મળતા જ તેનો પરિવાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વ્હાલસોયા દીકરાને મૃત હાલતમાં જોઈને પરિવારજનોનું હૈયાફાટ રુદન જોઈને ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. હાલમાં ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!