યુવાન મોટી માસંગથી દહેગામ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન સામેથી આવતા બાઈકે ટક્કર મારી

ગાંધીનગર,સોમવાર : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પીંપલજ ગામની સીમમાં રખિયાલ જતાં રોડ ઉપર રવિવારે સવારે બનેલા માર્ગ અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું છે. આ ઘટના અંગે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે દહેગામ તાલુકાના પીંપલજ પાસે બે બાઈકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામના મોટી માસંગ ખાતે રહેતા નવલસિંહ પ્રભાતસિંહ ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ગઈકાલે સવારના સમયે તેમના કાકાના દીકરા પ્રવીણસિંહ અગરસિંહ ઠાકોરનો તેમને ફોન આવ્યો હતો અને પ્રવીણસિંહે તેમને જણાવ્યું કે, તેમના ભાઈ દલપતસંગ પ્રભાતસંગ ઠાકોર તેનું બાઈક લઈને મોટી માસંગથી દહેગામ જઈ રહ્યા હતા ત્યારે પીપળજ ગામની સીમમાં રોડ પર દહેગામ તરફથી આવતા બાઈકના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી પોતાનું વાહન ચલાવીને દલપતસંગના બાઈકને સામેથી ટક્કર મારી હતી.આ અકસ્માતમાં દલપતસંગને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે રખિયાલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી આ ઘટના અંગે હાલ રખિયાલ પોલીસ દ્વારા બાઈકના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.










