સુરતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ: 2 કલાકમાં 6 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત, શાળાઓમાં રજા જાહેર!

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર ‘ઇનિંગ’ યથાવત છે.

સુરત, સોમવાર
ગુજરાતમાં હાલ ભારે વરસાદનો દોર ચાલી રહ્યો છે ત્યારે સાબરકાંઠા બાદ હવે મેઘરાજાએ સુરતને ધમરોળ્યું છે. આજે સવારે માત્ર બે કલાકમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં સુરતમાં ‘મિનિ ફ્લડ’ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે શહેરનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ચારેકોર જળબંબાકાર, રસ્તાઓ બેટમાં ફેરવાયા
સુરતથી મળતા અહેવાલો અનુસાર, શહેરના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને અડાજણ પાટિયા જેવા વિસ્તારોમાં, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈને ‘બેટ’માં ફેરવાઈ ગયા છે. ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો ફસાયા હતા, જેને પગલે ટ્રાફિક પોલીસના જવાનો પણ લોકોને મદદ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા. શહેરભરમાં ચારેકોર ‘જળબંબાકાર’ની સ્થિતિ જોવા મળી રહી છે.

શાળાઓમાં રજા જાહેર
વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં બપોરની પાળીમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીના વિદ્યાર્થીઓને પણ સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. કલેકટરે પણ સવાર પાળીના બાળકોને ઝડપથી ઘરે પહોંચાડવા અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું હતું.

ગઈકાલ રાતથી અવિરત વરસાદ
દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર ‘ઇનિંગ’ યથાવત છે. ગઈકાલે રાત્રે પણ મૂશળધાર વરસાદ પડ્યા બાદ, આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતા શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થતા, જનજીવન પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેબાજુ ‘જળબંબાકાર’ જેવી સ્થિતિ સર્જાતા જનજીવન લગભગ ‘ઠપ્પ’ થઈ ગયું હતું.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!