અભયમ 181: ગુજરાતની મહિલાઓ માટે સંકટ સમયનો સાથી

ગુજરાત સરકાર મહિલા સલામતીને લઈને કેટલી ગંભીર છે તે અભયમ 181 હેલ્પલાઇન માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઈ પરથી સ્પષ્ટ થાય છે. છેલ્લા 3 વર્ષમાં આ હેલ્પલાઇન માટે કુલ 37.78 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાત સરકારે મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપીને માર્ચ 2015માં શરૂ કરેલી અભયમ 181 મહિલા હેલ્પલાઇન છેલ્લા દસ વર્ષમાં 16.58 લાખથી વધુ મહિલાઓ માટે આશાનું કિરણ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કાર્યરત આ હેલ્પલાઇન મહિલાઓ, યુવતીઓ, કિશોરીઓ અને બાળકીઓ સહિત દરેક વયજૂથની મહિલાઓને મુશ્કેલ સમયમાં મદદ પૂરી પાડી રહી છે.

અભયમ 181 દરેક મુશ્કેલીમાં અડીખમ
ઘરેલુ હિંસા, શારીરિક-માનસિક અત્યાચાર અને છેડતી જેવા મહિલા વિરોધી ગુનાઓ સામે અભયમ 181 હેલ્પલાઇન મહિલાઓ સાથે મજબૂતીથી ઊભી રહી છે. આ હેલ્પલાઇન 24×7 નિઃશુલ્ક સેવા પ્રદાન કરે છે, જેથી રાજ્યની મહિલાઓ તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ મેળવી શકે.

59 રેસ્ક્યુ વાન અને સ્થળ પર સમાધાનની પહેલ
મહિલાઓની સમસ્યાઓના ત્વરિત નિવારણ માટે કુલ 59 રેસ્ક્યુ વાન કાર્યરત છે, જેમાં સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં 12 રેસ્ક્યુ વાનનો સમાવેશ થાય છે. આ રેસ્ક્યુ વાન કાઉન્સિલર સાથે ઘટનાસ્થળ પર પહોંચીને મહિલાઓની સમસ્યાનું સમાધાન કરે છે. અત્યાર સુધીમાં, રેસ્ક્યુ વાન દ્વારા 3.31 લાખ મહિલાઓને મદદ કરીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે, જ્યારે 2.09 લાખથી વધુ કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાન કરીને કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. આ સેવાઓ અનેક મહિલાઓ માટે પારિવારિક અશાંતિ વચ્ચે સુખ-શાંતિનું સરનામું બની છે.

અભયમ 181 મોબાઇલ એપ્લિકેશન
રાજ્ય સરકારે મહિલાઓની સરળ પહોંચ માટે 6 ઓગસ્ટ, 2018ના રોજ અભયમ 181 મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. 2.73 લાખથી વધુ મહિલાઓએ પોતાની સમસ્યાઓના સમાધાન માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, જે દર્શાવે છે કે ટેક્નોલોજીનો ઉપયોગ મહિલા સુરક્ષામાં કેટલો કારગર સાબિત થયો છે.

બજેટ ફાળવણીમાં સતત વધારો
ગુજરાત સરકાર મહિલા સલામતીને લઈને કેટલી ગંભીર છે તે અભયમ 181 હેલ્પલાઇન માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઈ પરથી સ્પષ્ટ થાય છે. છેલ્લા 3 વર્ષમાં આ હેલ્પલાઇન માટે કુલ 37.78 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વર્ષ 2022-23માં 10.50 કરોડ, 2023-24માં 12.50 કરોડ અને 2024-25માં 14.78 કરોડ ફાળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સરકારે વર્ષ 2025-26 માટે અભયમ 181 હેલ્પલાઇન માટે 15.02 કરોડની બજેટ જોગવાઈ મંજૂર કરી છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્ય સરકાર અભયમ 181 હેલ્પલાઇન દ્વારા મહિલા સુરક્ષાનું માળખું સતત મજબૂત બનાવી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!