ગાંધીનગરમાં સર્વ શિક્ષા અભિયાનના નિવૃત્ત સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર (વર્ગ-2) નિપુણ ચંદ્રવદન ચોકસીની ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી કાયદેસરની આવક કરતાં 62.43% વધુ એટલે કે રૂ. 3,08,90,279ની જંગી બેનામી સંપત્તિ મળી આવી છે. જાણો ACBની સમગ્ર કાર્યવાહી.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) એ ભ્રષ્ટ અધિકારીઓ સામેની ઝુંબેશ ચાલુ રાખી છે. આ કડીમાં, ગાંધીનગરમાં સર્વ શિક્ષા અભિયાન (SSA) ના નિવૃત્ત સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર (વર્ગ-2) નિપુણ ચંદ્રવદન ચોકસી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.ACB એ તેમની કાયદેસરની આવક કરતાં વધુ સંપત્તિ વસાવવાના આરોપસર ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે, જેનાથી સરકારી કર્મચારીઓમાં ચકચાર મચી ગઈ છે.
લાંચ કેસની તપાસમાં બેનામી સંપત્તિનો પર્દાફાશ
આરોપી નિપુણ ચોકસીનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. તેમને તારીખ 16 જુલાઇ 2021 ના રોજ રૂ. 1,21,000 ની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ લાંચ કેસની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન જ તેમની બેનામી સંપત્તિના તાર મળ્યા હતા.બેંક લોકરમાંથી નીકળી કરોડોની રોકડલાંચના ગુનાની ઊંડાણપૂર્વક તપાસ અને રિમાન્ડ દરમિયાન ACBને આરોપીના ત્રણ બેંક લોકર વિશે માહિતી મળી હતી, જે ધી ગાંધીનગર નાગરિક કો.ઓપ. બેંકની સેક્ટર-10 અને સેક્ટર-6 બ્રાંચમાં આવેલા હતા.આ લોકરોની અને તેમના રહેણાંક મકાનની તપાસ (જડતી) કરવામાં આવી ત્યારે બેંક લોકરમાંથી રૂ. 2,27,25,000 અને રહેણાંક મકાનમાંથી રૂ. 4,12,205 એમ કુલ મળીને રૂ. 2,31,75,205 ની માતબર રકમ મળી આવી હતી.
આવક કરતાં 62.43% વધુ મિલકત
ACB દ્વારા આરોપીના ચોક્કસ સમયગાળા (ચેક પીરીયડ 1 એપ્રિલ 2021 થી 19 સપ્ટેમ્બર 2021) દરમિયાનની આવક અને મિલકતની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.આ તપાસના અંતે સામે આવ્યું કે નિવૃત્ત ઈજનેર નિપુણ ચોકસીએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં કુલ રૂ. 3,08,90,279 જેટલી જંગી અને અપ્રમાણસર મિલકતો વસાવી છે. આ રકમ તેમની કાયદેસરની આવક કરતાં 62.43% જેટલી નોંધપાત્ર રીતે વધુ છે.આ સમગ્ર મામલે, ACB દ્વારા આજે (26 નવેમ્બર) ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ACBની આ કડક કાર્યવાહી ભ્રષ્ટ અધિકારીઓ માટે એક મોટો સંદેશ છે.











