ત્રાલના જંગલી વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના 3 લોકલ આતંકીઓને ઠાર માર્યા. આ ત્રણેય ત્રાલના જ રહેવાસી હતા. માર્યા ગયેલા આતંકીઓમાં આસિફ અહેમદ શેખ, આમિર નઝીર વાની અને યાવર અહેમદ ભટ્ટનો સમાવેશ થાય છે.

શ્રીનગર, સોમવાર
જમ્મુ-કાશ્મીરમાં પહલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ એક્શન મોડમાં આવીને 21 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. છેલ્લા કેટલાક સમયમાં થયેલા 6 અલગ-અલગ એન્કાઉન્ટરમાં ભારતીય સેના, CRPF, BSF અને જમ્મુ-કાશ્મીર પોલીસે આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશનમાં કુલ 21 આતંકીઓ ઠાર થયા, જેમાં 12 પાકિસ્તાની અને 9 લોકલ આતંકીઓનો સમાવેશ થાય છે.
કેલર જંગલમાં લશ્કરના 3 મોસ્ટ વોન્ટેડ આતંકીઓ ઠાર
શોપિયાં જિલ્લાના કેલર જંગલમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના 3 મોસ્ટ વોન્ટેડ આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાં શાહિદ કુટ્ટે, અદનાન શફી ડાર અને આમિર બશીરનો સમાવેશ થાય છે. આ આતંકીઓ ઘણા સમયથી આ વિસ્તારમાં સક્રિય હતા અને સુરક્ષા દળો માટે માથાનો દુખાવો બન્યા હતા.
ઓપરેશન અકાલ હેઠળ કુલગામમાં 3 આતંકીઓનો ખાતમો
શ્રીનગરથી લગભગ 70 કિલોમીટર દૂર કુલગામમાં ઓપરેશન અકાલ હેઠળ સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના વધુ 3 આતંકીઓને ઠાર માર્યા. ઠાર કરાયેલા આતંકીઓમાં કુલગામનો જાકિર અહેમદ ગની, સોપોરનો આદિલ રહેમાન ડેન્ટુ (કેટેગરી-એ) અને પુલવામાનો હરીશ ડાર સામેલ હતો. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આ ગ્રુપને લોકલ રિક્રૂટમેન્ટ અને સરહદ પારથી ઘૂસણખોરી કરતા આતંકીઓને લોજિસ્ટિક્સ સપોર્ટ આપવા માટે ફરીથી સક્રિય કરવામાં આવ્યું હતું.
સાંબા જિલ્લામાં BSFએ 7 પાકિસ્તાની આતંકીઓનો કર્યો સફાયો
જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં થયેલા એક મોટા એન્કાઉન્ટરમાં BSFએ જૈશ-એ-મોહમ્મદના 7 આતંકીઓને ઠાર માર્યા. આ તમામ પાકિસ્તાની નાગરિક હતા. આ એન્કાઉન્ટર તાજેતરના મહિનાઓમાં જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક માટે સૌથી મોટો ફટકો છે. અધિકારીઓએ ફોરેન્સિક અને બાયોમેટ્રિક તપાસ બાદ જ તેમના નામ જાહેર કરવાની વાત કરી છે.
ત્રાલના જંગલમાં 3 આતંકીઓનો ખાતમો
ત્રાલના જંગલી વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના 3 લોકલ આતંકીઓને ઠાર માર્યા. આ ત્રણેય ત્રાલના જ રહેવાસી હતા. માર્યા ગયેલા આતંકીઓમાં આસિફ અહેમદ શેખ, આમિર નઝીર વાની અને યાવર અહેમદ ભટ્ટનો સમાવેશ થાય છે.
ઓપરેશન મહાદેવ: પહલગામના હત્યારા પણ ઠાર
જમ્મુ-કાશ્મીરના મુલનાર ગામમાં ઓપરેશન મહાદેવ હેઠળ સુરક્ષા દળોએ લશ્કરના 3 પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા. જેમાં સુલેમાન, અફઘાન અને જિબ્રાનનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં કન્ફર્મ કર્યું હતું કે આ ત્રણેય એ જ આતંકીઓ હતા જેમણે પહલગામ નરસંહારને અંજામ આપ્યો હતો.
ઓપરેશન મહાદેવ: પૂંછમાં 2 ઘૂસણખોર આતંકી ઠાર
પૂંછ વિસ્તારમાં ઓપરેશન મહાદેવ હેઠળ સુરક્ષા દળોએ લશ્કરના 2 પાકિસ્તાની આતંકીઓને ઠાર કર્યા. જોકે, તેમના નામ જાહેર કરવામાં આવ્યા નથી. અધિકારીઓએ કન્ફર્મ કર્યું છે કે આ આતંકીઓ તાજેતરમાં જ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK)થી ઘૂસણખોરી કરીને આવ્યા હતા.











