અમદાવાદ: શેરબજારમાં 20% રિટર્નનું સપનું બતાવી કરોડોનું ફુલેકું, બોગસ લેટરપેડથી બિઝનેસમેનને છેતર્યા

અમદાવાદમાં શેરબજારમાં 15-20% રિટર્ન અપાવવાની લાલચ આપી જાણીતા બિઝનેસમેન સાથે 1.07 કરોડની છેતરપિંડી. બોગસ લેટરપેડ અને ખોટા લેજર બનાવી આચર્યું કૌભાંડ. જાણો સમગ્ર ઘટના.

અમદાવાદ, શુક્રવાર
શેરબજારમાં ઓછા સમયમાં તગડું વળતર મેળવવાની લાલચ કેટલી ભારે પડી શકે છે, તેનો વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. શહેરના એક નામાંકિત બિઝનેસમેન અને તેમની પત્ની સાથે 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ છે. આરોપીઓએ મ્યુચ્યુઅલ ફંડ પર લોન અપાવી, તે રકમ શેરબજારમાં રોકાણના નામે પડાવી લીધી અને બાદમાં જાણીતી બ્રોકરેજ કંપનીના નકલી દસ્તાવેજો પકડાવી દીધા.

ઓળખાણનો ફાયદો ઉઠાવી આ રીતે જાળમાં ફસાવ્યા
આ સમગ્ર મામલે નારોલ વિસ્તારમાં રહેતા અને સિંધુભવન રોડ પરની એક કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે કામ કરતા 49 વર્ષીય નીતિન સત્યવીર સિંઘે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના માલિક વિવેક અગ્રવાલ વતી તેમણે આ ફરિયાદ કરી છે.

ફરિયાદ મુજબ, તેમના માલિકનો પરિચય એમ.પી. ફિનકોર્પ સર્વિસીસના ભાગીદાર મિહિર જીતેન્દ્રભાઈ પરીખ સાથે હતો. જૂન 2023માં મિહિર પરીખે બિઝનેસમેનને એક સ્કીમ સમજાવી. તેણે લાલચ આપી કે જો તેઓ તેમના મ્યુચ્યુઅલ ફંડ પર લોન લઈને તે પૈસા તેની કંપની દ્વારા શેરબજારમાં રોકાણ કરે, તો તેમને વાર્ષિક 15 થી 20 ટકા જેટલું જંગી વળતર મળશે. આ લલચામણી ઓફરમાં આવીને બિઝનેસમેન અને તેમની પત્નીએ પોતાના મ્યુચ્યુઅલ ફંડ સામે લોન લીધી અને કુલ 1,34,00,000 રૂપિયા આરોપી મિહિરની કંપનીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા.

પૈસા પાછા માંગતા ભાંડો ફૂટ્યો, નકલી દસ્તાવેજો પકડાયા
થોડા મહિનાઓ પછી જ્યારે બિઝનેસમેને રોકાણ કરેલા પૈસા પાછા માંગ્યા, ત્યારે મિહિર પરીખ ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યો. તેણે રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે એક પ્રખ્યાત શેરબ્રોકિંગ કંપનીના લેટરહેડ પર બનાવેલા નકલી સ્ટોક લેજરની PDF ફાઈલો મોકલી. જોકે, જ્યારે બિઝનેસમેને તે શેરબ્રોકિંગ કંપનીમાં સીધી તપાસ કરાવી, ત્યારે ભાંડો ફૂટ્યો. ત્યાં તેમના નામે કોઈ રોકાણ ખાતું જ ખોલવામાં આવ્યું ન હતું. આરોપીઓએ વિશ્વાસ જીતવા માટે આપેલા સિક્યોરિટી ચેક પણ બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયા હતા.

1.07 કરોડની છેતરપિંડી, ચાર લોકો સામે ફરિયાદ
આરોપીઓએ કુલ 1.34 કરોડ રૂપિયામાંથી માત્ર 26,49,273 રૂપિયા પરત કર્યા અને બાકીની રકમ એટલે કે 1,07,50,727 રૂપિયા પોતાના અંગત કામો માટે વાપરી નાખીને છેતરપિંડી કરી. આ ઘટના બાદ પોલીસે મિહિર પરીખ, ગીતા પરીખ, ધારા પરીખ અને હેમરાજ રાણા નામના ચાર લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કિસ્સો એવા લોકો માટે એક લાલબત્તી સમાન છે જેઓ ઊંચા વળતરની લાલચમાં આવીને પોતાની મહેનતની કમાણી જોખમમાં મૂકી દે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!