
રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) અન્વયે શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાના ભાગરૂપે આવતીકાલે મહત્ત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સોલા સ્થિત સાલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ’ યોજાશે.
158 શરણાર્થીઓને મળશે પ્રમાણપત્ર
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા આ સમારોહમાં CAA અંતર્ગત 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 મળીને કુલ 158 શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવો ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે.
ભારત સરકાર દ્વારા 2016 અને 2018ના ગેઝેટથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોના લોકોને સિટીઝનશિપ એક્ટ-1955ની કલમ-5 અને 6 અન્વયે નાગરિકતા આપવાની સત્તા જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે. વર્ષ 2017થી 2025 સુધીમાં અમદાવાદ જિલ્લામાં 1200થી વધુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપીને જિલ્લો સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 195 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.











