અસલાલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. અસલાલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, હાલ પોલીસ દ્વારા આરોપી ટ્રકચાલકની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અમદાવાદ, શનિવાર
ગઈકાલે રાત્રે અમદાવાદ-ધોળકા રોડ પર વિસલપુર નજીક એક ગમખ્વાર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ડ્રાઈવરે બેફામ સ્પીડમાં એક્ટિવાચાલકને ટક્કર મારતા 25 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે 10.30થી 11 વાગ્યાની આસપાસ સરખેજ-ધોળકા રોડ પર વિસલપુર પાસે આ ઘટના બની હતી. એક બેફામ ટ્રકે એક્ટિવા પર જઈ રહેલા જયવંસિંહ નામના 25 વર્ષીય યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે જયવંસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને તેમણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો. અકસ્માત બાદ ટ્રકચાલક પોતાનો ટ્રક લઈને ત્યાંથી પલાયન થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો દ્વારા 108 એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. જાણ થતા જ 108 નો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
દરમિયાન, અસલાલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. અસલાલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, હાલ પોલીસ દ્વારા આરોપી ટ્રકચાલકની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે પણ વધુ તપાસ ચાલી રહી છે.











