અમદાવાદ મનપા-ફાયર વિભાગે ગરબા આયોજકો માટે કડક ગાઇડલાઇન જાહેર કરી; 300ના સ્ટેમ્પ પર બાંહેધરી અને સરપ્રાઇઝ ચેકિંગ બાદ જ NOC.

અમદાવાદમાં આયોજકો મોટા ગરબાનું આયોજન કરે છે, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટશે. લોકોની સુરક્ષાને ધ્યાને રાખી અમદાવાદ મહાનગરપાલિકા અને ફાયર ડિપાર્ટમેન્ટે કડક ગાઇડલાઇન જાહેર કરી છે.
300ના સ્ટેમ્પ પર બાંહેધરી
ગાઇડલાઇનનું સખતાઈથી પાલન થાય તે હેતુથી તમામ ગરબા આયોજકો પાસેથી રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર લખાણ લઈને બાંહેધરી લેવાશે. ફાયર બ્રિગેડની ટીમો ફાયર ગાઇડલાઇનના પાલનની સઘન ચકાસણી કરશે. ગાઇડલાઇન મુજબ ગરબા પંડાલમાં એન્ટ્રી, ઇમરજન્સી એન્ટ્રી અને ઇલેક્ટ્રિક સ્ટાફની હાજરી ફરજિયાત છે.
આ વર્ષે ગરબા આયોજનમાં મોટો ઉછાળો
ગયા વર્ષે અમદાવાદમાં 3 એસી ડોમ સહિત કુલ 60 સ્થળોએ ગરબા યોજાયા હતા. આ વર્ષે 6 એસી ડોમ સહિત 100થી વધુ સ્થળોએ મોટા પાયે રાસ-ગરબાનું આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 35 આયોજકોએ NOC માટે અરજી કરી છે. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર સરપ્રાઇઝ ચેકિંગ કરી સંપૂર્ણ સલામતી સુનિશ્ચિત કર્યા બાદ જ NOC આપશે.
ફાયર સેફ્ટી અને NOC માટેના મુખ્ય નિયમો
- ક્ષમતા અને વ્યવસ્થા: પંડાલમાં પ્રતિ વ્યક્તિ 1 ચોરસ મીટર જગ્યા ફાળવવી અને અંદર કોઈ ફિક્સ પાર્ટિશન ન રાખવું. ભીડ નિયંત્રણ અને સૂચનાઓ માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને ઓટો-ગ્લો સાઇન બોર્ડ ફરજિયાત.
- સ્થળ અને મંડપ: મંડપ શાળા, હોસ્પિટલ, હાઇટેન્શન લાઇન કે જ્વલનશીલ ગોડાઉનથી સુરક્ષિત અંતરે હોવો જોઈએ. સામસામી દિશામાં 5.5 મીટર પહોળાઈના ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ રાખવા, અને દર 10 બેઠકો વચ્ચે 1.5 મીટરનો પેસેજ છોડવો.
- જ્વલનશીલ પદાર્થો: સ્ટેજ નજીક કે નીચે જ્વલનશીલ સામગ્રી ન રાખવી. રસોઈ, LPG સિલિન્ડર અને ડીઝલ જનરેટર મંડપથી 15 મીટર દૂર રાખવા. હવનકુંડ પર CI કે GI શીટ અને મૂર્તિ કે દીવા નીચે રેતીનો બેઝ રાખવો.
- ફાયર સેફ્ટી અને સ્ટાફ: મંડપના પડદા અને કાર્પેટ ફાયર રિટાર્ડન્ટ હોવા જોઈએ. દર 100 ચોરસ મીટરે 6 કિલો અને 4.5 કિલોના 2-2 ફાયર એક્સટિંગ્યુશર, તેમજ પાણી અને રેતીની ડોલ રાખવી. સ્થળ પર 24 કલાક તાલીમબદ્ધ સ્વયંસેવકો હાજર રાખવા.
- NOC પ્રક્રિયા: આયોજકોએ ગરબાના 3 દિવસ પહેલાં અરજી કરી હાર્ડકોપી જમા કરાવી NOC મેળવવાનું રહેશે.
- ઇલેક્ટ્રિકલ સેફ્ટી: તમામ વાયરિંગ માન્ય એન્જિનિયર પાસે જ કરાવવું. લાઇટ બલ્બ શણગારની સામગ્રીથી ઓછામાં ઓછા 15 સેમી દૂર રાખવા.











