અમદાવાદ: સાફ-સફાઈના બહાને ઘરમાં ઘૂસ્યા અને કરી લાખોની ચોરી! જોધપુરમાં 3.75 લાખના દાગીનાની ઉઠાંતરી

અમદાવાદના જોધપુરમાં સફાઈના બહાને આવેલા ક્લિનિંગ સર્વિસના બે યુવકોએ વૃદ્ધાના ઘરમાંથી 3.75 લાખના સોનાના દાગીના ચોરી લીધા. વાંચો આ ચોંકાવનારો કિસ્સો.

અમદાવાદ, રવિવાર
અમદાવાદ શહેરમાં આજકાલ ઘરઘાટી કે સફાઈ કામદારો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો ભારે પડી રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટના જોધપુરમાં એક આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઘરમાં સાફ-સફાઈ કરવા માટે બોલાવવામાં આવેલા ક્લિનિંગ સર્વિસના બે શખ્સો 69 વર્ષીય વૃદ્ધ મહિલાના ઘરમાંથી રૂપિયા 3,75,000 ના સોનાના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગયા છે.

ઘરમાં સાફ-સફાઈ કરાવવાનું નક્કી કર્યું અને…
મળતી માહિતી મુજબ, જોધપુર ગામમાં આવેલા તપ્સી એપાર્ટમેન્ટમાં 69 વર્ષીય રશ્મીબેન જયંતીલાલ શાહ રહે છે. તેઓ વિધવા છે અને ઘરમાં એકલા જ રહે છે. હાલ તેઓ જોધપુર ગામમાં જ આવેલા આર. આર. પીજી (R. R. PG) માં કેરટેકર તરીકે નોકરી કરે છે. મુંબઈ રહેતી તેમની દીકરી મોહિની વેકેશન હોવાથી ઘરે રોકાવા આવી હતી. દીકરી ઘરે આવી હોવાથી રશ્મીબેને ઘરની ડીપ ક્લિનિંગ કરાવવાનું નક્કી કર્યું હતું અને આ માટે એજન્સીનો સંપર્ક કર્યો હતો.

કેવી રીતે પાર પાડ્યો ચોરીનો ખેલ?
ગત 11 મે ના રોજ આ ચોરીની ઘટના બની હતી. રશ્મીબેનની ભત્રીજાવહુની ભલામણથી વસ્ત્રાપુરની ચામુંડા ક્લિનિંગ સર્વિસમાંથી આશરે 25 થી 30 વર્ષની ઉંમરના બે અજાણ્યા યુવકો ઘરે સફાઈ માટે આવ્યા હતા. જે સમયે આ યુવકો ઘરે આવ્યા ત્યારે રશ્મીબેન પોતાની નોકરી પર ગયા હતા અને તેમની દીકરી મોહિની ઘરે હાજર હતી. સફાઈ કામ દરમિયાન એક યુવક હોલમાં કામ કરી રહ્યો હતો, જ્યારે બીજો યુવક બેડરૂમમાં એકલો સફાઈ કરી રહ્યો હતો. બેડરૂમમાં રહેલા લાકડાના કબાટના લોકરની ચાવી કબાટ ઉપર જ પડેલી હતી. આ તકનો ફાયદો ઉઠાવીને તે યુવકે લોકર ખોલ્યું અને તેમાંથી બે સોનાની પેન્ડલવાળી ચેઈન તેમજ સોનાની કેપવાળું એક રુદ્રાક્ષનું બ્રેસલેટ ચોરી લીધું. આ તમામ દાગીનાની કુલ કિંમત આશરે 3.75 લાખ રૂપિયા થાય છે.

પૈસા પણ ચૂકવ્યા અને દાગીના પણ ગુમાવ્યા
સૌથી મોટી વાત એ છે કે, સફાઈનું કામ પૂરું થયા પછી દીકરી મોહિનીએ તે બંને યુવકોને કામના ચાર્જ પેટે 3,700 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. ચોરી થઈ છે તેની જાણ બીજા દિવસે સાંજે થઈ, જ્યારે રશ્મીબેને પોતાની બુટ્ટી બદલવા માટે કબાટ ખોલ્યું. કબાટમાંથી દાગીના ગાયબ જોઈને તેમના હોશ ઉડી ગયા હતા.

આ મામલે રશ્મીબેને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને બંને અજાણ્યા સફાઈ કર્મચારીઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને એજન્સીની માહિતી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આ ઘટના શહેરીજનો માટે એક લાલબત્તી સમાન છે કે ઘરમાં ક્લિનિંગ સર્વિસ કે અજાણ્યા લોકોને કામ સોંપતી વખતે સતત તેમના પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!