અમદાવાદમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને બેઠા કરવા માટે રાજ્ય સરકારે ઉચ્ચક રોકડ સહાય અને લોન પર વ્યાજ સહાયનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ તથા પૂરની સ્થિતિના કારણે આર્થિક નુકસાન વેઠનાર નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પુનર્વસન સહાય પેકેજ (Rehabilitation Relief Package) ની જાહેરાત કરવામાં આવી છે. અસરગ્રસ્તો પોતાના ધંધા-રોજગાર ફરીથી પૂર્વવત શરૂ કરી શકે તે માટે આર્થિક સહાય અને વ્યાજ સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે.
સહાય પેકેજની મુખ્ય જોગવાઈઓ અને કેટેગરી
લારી ધારકો: ₹ 7,500 ની ઉચ્ચક રોકડ સહાય.
નાની સ્થાયી કેબિન (૪૦ ચોરસ ફૂટ સુધી): ₹ 25,000 ની ઉચ્ચક રોકડ સહાય.
મોટી કેબિન (૪૦ ચોરસ ફૂટથી વધુ): ₹ 50,000 ની ઉચ્ચક રોકડ સહાય.
પાકી દુકાન (પાકું બાંધકામ અને જીએસટી રિટર્ન ધરાવતા): ₹ 1,00,000 ની ઉચ્ચક રોકડ સહાય.
બેંક લોન અને વ્યાજ સહાયની વિશેષ જોગવાઈ
પાકી દુકાન ધરાવતા અને નિયમિત જીએસટી (GST) રિટર્ન ભરતા વેપારીઓને ધંધો પુનઃ ધમધમતો કરવા માટે બેંકો દ્વારા ટર્મ લોન આપવામાં આવશે, જેમાં સરકાર દ્વારા ૩ વર્ષ માટે ૭% સુધીની વ્યાજ સહાય પૂરી પાડવામાં આવશે.વેપારીઓ ટર્નઓવરના ધોરણે ₹ ૨૦ લાખથી લઈને ₹ ૩૦ લાખ સુધીની લોન અને વ્યાજ રાહતનો લાભ મેળવી શકશે.











