અમદાવાદ જળબંબાકાર: 10 કલાકમાં 5 ઇંચ વરસાદ, વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા

સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જોવા મળ્યો છે. વટવા, નારોલ, લાંભા, શાહઆલમ અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

અમદાવાદ, રવિવાર
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં શનિવાર રાતથી શરૂ થયેલી મેઘરાજાની અવિરત બેટિંગે રવિવારે સવાર સુધીમાં શહેરને જળબંબાકાર કરી દીધું છે. સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે પૂર્વ વિસ્તારોમાં તો 5 ઇંચ સુધીનો રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 7 દરવાજા 2.5 ફૂટ ખોલીને 8698 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, અને જિલ્લાના કેટલાક ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.

શહેરના પૂર્વ વિસ્તારોમાં વરસાદનો કહેર
સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જોવા મળ્યો છે. વટવા, નારોલ, લાંભા, શાહઆલમ અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રામોલ, વસ્ત્રાલ, મણિનગર, જશોદાનગર, હાટકેશ્વર અને ખોખરા વિસ્તારોમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે વાસણા, પાલડી અને એલિસ બ્રિજ વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રખીયાલ, ગોમતીપુર, બાપુનગર, સરસપુર, ઓઢવ અને વિરાટનગર જેવા પૂર્વના અન્ય વિસ્તારોમાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે. પશ્ચિમના જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, આનંદનગર, પ્રહલાદનગર અને શ્યામલ સહિતના વિસ્તારોમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

વાસણા બેરેજમાંથી પાણી છોડાયું, ગામોને એલર્ટ
ભારે વરસાદને કારણે વાસણા બેરેજમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. બેરેજના 7 દરવાજા 2.5 ફૂટ ખોલીને 8698 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે આવેલા ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જળબંબાકાર અને તંત્રના દાવાઓ
વરસાદી પાણી ભરાવાને કારણે અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ જોવા મળી રહી છે. ખોખરાના સર્વોદયનગરમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે ઓઢવની મધુમાલતી આવાસ યોજનામાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. આનંદનગર વિસ્તારમાં ઢીંચણ સુધીના પાણી ભરાયા છે, અને વેજલપુર વિસ્તારમાં મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે ગટરના પાણી બેક મારતા રોડ પર ગટરીયા પાણીની નદી વહેતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કરોડોના ખર્ચે ઇસ્ટર્ન મેઈન ટ્રંક લાઈન નાખવામાં આવી છે. પાંચ દિવસ પહેલાં જ ભાજપના મંત્રીએ પાણી નહીં ભરાવા અને ગટર ઉભરાવાની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો કર્યો હતો, જે આ વરસાદમાં ખોટો સાબિત થયો છે.

મોસમનો 70% વરસાદ 27 જુલાઈ સુધીમાં પૂર્ણ
અમદાવાદમાં દર વર્ષે સિઝનમાં સરેરાશ 35 ઇંચ વરસાદ પડતો હોય છે. આ વર્ષે સિઝનનો સરેરાશ 24.9 ઇંચ એટલે કે, 70% વરસાદ 27 જુલાઈ સુધીમાં જ પડ્યો છે, જે દર્શાવે છે કે આ વર્ષે અમદાવાદમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે, આ આંકડા સંતોષકારક હોવા છતાં, શહેરમાં પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!