ઉત્તરકાશીમાં કુદરતી આપત્તિમાં ફસાયેલી અમદાવાદની ધનગૌરી બરૌલિયાએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને સાડીના છેડાની રાખડી બાંધીને આભાર વ્યક્ત કર્યો. આ હ્રદયસ્પર્શી ઘટના વિશે વધુ જાણો

ઉત્તરાખંડ, શુક્રવાર
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી શુક્રવારે ઉત્તરકાશીના ધરાલીમાં આપત્તિગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે એક ભાવુક અને યાદગાર ક્ષણ જોવા મળી. અમદાવાદના ઈસનપુરની રહેવાસી ધનગૌરી બરૌલિયા નામના એક શ્રદ્ધાળુ મહિલાએ મુખ્યમંત્રીને પોતાની સાડીનો છેડો ફાડીને રાખડી બાંધી, જેણે ત્યાં હાજર દરેકની આંખોમાં આંસુ લાવી દીધા.
કુદરતી આપત્તિ અને બચાવ કામગીરી
ધનગૌરી પોતાના પરિવાર સાથે ગંગોત્રીના દર્શન કરવા માટે આવી હતી. પરંતુ 5 ઓગસ્ટે ધરાલીમાં આવેલી ભયાનક કુદરતી આપત્તિએ તેમને મુશ્કેલીમાં મૂકી દીધા. અચાનક આવેલો કાટમાળ અને પાણીના તેજ પ્રવાહને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા, અને તેઓ પોતાના પરિવાર સાથે ત્યાં જ ફસાય ગયા. આ મુશ્કેલ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ધામીના નેતૃત્વ હેઠળ રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ થઈ. બચાવ ટીમોએ ભારે મહેનત કરીને ધનગૌરી અને તેમના પરિવાર સહિત અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
રાખડીથી વ્યક્ત થયો પ્રેમ અને કૃતજ્ઞતા
બચાવ બાદ ધનગૌરી મુખ્યમંત્રી ધામીને મળ્યા. તેમની આંખોમાં ડરને બદલે કૃતજ્ઞતા અને સન્માનના આંસુ હતા. તેમણે પોતાની સાડીનો છેડો ફાડીને મુખ્યમંત્રીના કાંડા પર રાખડી બાંધી અને કહ્યું કે, “મારા માટે, મુખ્યમંત્રી ધામી ભગવાન શ્રીકૃષ્ણ જેવા છે, જેમણે માત્ર મારું જ નહીં, પરંતુ અહીં હાજર તમામ માતાઓ અને બહેનોનું ભાઈની જેમ રક્ષણ કર્યું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે મુખ્યમંત્રી ત્રણ દિવસથી તેમની વચ્ચે રહીને તેમની સુરક્ષા અને જરૂરિયાતોનું ધ્યાન રાખી રહ્યા છે.
આ હ્રદયસ્પર્શી ઘટનાએ ભાઈ-બહેનના સંબંધોની ભાવનાને ઉજાગર કરી. મુખ્યમંત્રી ધામીએ પણ ધનગૌરીનો હાથ પકડીને ખાતરી આપી કે એક ભાઈ તરીકે તેઓ દરેક પરિસ્થિતિમાં અસરગ્રસ્ત બહેનોની સાથે ઊભા રહેશે અને રાજ્ય સરકાર દ્વારા શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગ માનવતા, સંવેદનશીલતા અને ભાઈચારાનું અદ્ભુત ઉદાહરણ બની રહ્યો છે.











