ભારતીય મહિલા ક્રિકેટર પ્રતિકા રાવલના ફોટા સાથે AI દ્વારા છેડછાડ થતા મચ્યો હોબાળો. પ્રતિકાએ Grok ને ચેતવણી આપતા પ્લેટફોર્મે આપી પ્રતિક્રિયા. જાણો સમગ્ર વિવાદ અને પ્રતિકાના શાનદાર રેકોર્ડ્સ વિશે.

અમદાવાદ, મંગળવાર
આજે ટેકનોલોજી જેટલી મદદગાર છે, તેટલી જ તે ક્યારેક મુસીબત પણ બની જાય છે. હાલમાં જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટર પ્રતિકા રાવલ સાથે કંઈક આવું જ બન્યું છે. ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારતી આ ખેલાડી હવે AI સામે મેદાને પડી છે. પ્રતિકા રાવલના ફોટા સાથે છેડછાડ કરીને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે, આ ઘટના બાદ પ્રતિકા ચૂપ રહેવાને બદલે ખુલીને સામે આવી છે અને AI ના દુરુપયોગ સામે લાલ આંખ કરી છે.
પ્રતિકા રાવલે Grokને આપ્યું અલ્ટિમેટમ
આ ઘટના બાદ 25 વર્ષીય ક્રિકેટર પ્રતિકા રાવલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને સીધું જ Elon Muskના AI પ્લેટફોર્મ Grokને ટાર્ગેટ કર્યું હતું. તેણે પ્લેટફોર્મને સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું હતું કે, તેની પરવાનગી વગર તેના કોઈપણ જૂના કે ભવિષ્યના ફોટાનો ઉપયોગ કરવો નહીં કે તેમાં કોઈ ફેરફાર કરવો નહીં. પ્રતિકાએ ડિજિટલ દુનિયામાં લોકોની પ્રાઈવસી અને સન્માન જળવાય રહે તે બાબત પર ભાર મૂકતા કહ્યું કે, “હવે AI ટેકનોલોજીનો દુરુપયોગ એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે.” તેના આ કડક વલણ બાદ સોશિયલ મીડિયા પર AI એથિક્સ અને ઓનલાઈન સેફ્ટી અંગે મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
શું લખ્યું હતું પોસ્ટમાં?
પોતાના X એકાઉન્ટ પર પ્રતિકા રાવલે લખ્યું કે, “Grok, હું તમને મારા કોઈપણ ફોટા લેવાની, તેમાં છેડછાડ કરવાની કે એડિટ કરવાની મંજૂરી આપતી નથી. જો કોઈ ત્રીજી વ્યક્તિ મારા ફોટાને એડિટ કરવાની રિક્વેસ્ટ કરે, તો મહેરબાની કરીને તેને તાત્કાલિક રિજેક્ટ કરી દેજો.” પ્રતિકાનો આ ગુસ્સો વ્યાજબી હતો કારણ કે સેલિબ્રિટીઝના ફોટા સાથે ચેડાં થવાના કિસ્સાઓ વધી રહ્યા છે.
Grokએ આપ્યો જવાબ
ક્રિકેટરના આ આકરા તેવર જોઈને Grok એ પણ જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી. AI પ્લેટફોર્મે જવાબ આપતા કહ્યું કે, “હું સમજું છું, પ્રતિકા. તમારી ગોપનીયતાનો પૂરો આદર કરવામાં આવશે. તમારી સ્પષ્ટ પરવાનગી વિના તમારા કોઈપણ ફોટાનો ઉપયોગ, એડિટિંગ કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.” આ ઘટના બતાવે છે કે જો અવાજ ઉઠાવવામાં આવે તો ટેક કંપનીઓએ પણ ઝુકવું પડે છે.
મેદાન પર પ્રતિકાનું શાનદાર પ્રદર્શન
વિવાદોથી પરે પ્રતિકા રાવલનું બેટ મેદાન પર આગ ઓકી રહ્યું છે. 2025 ના મહિલા વર્લ્ડ કપમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં તેણે માત્ર 6 ઇનિંગ્સમાં 51.33 ની જોરદાર સરેરાશથી 308 રન ખડકી દીધા હતા. જેમાં ન્યુઝીલેન્ડ સામેની સદી અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે બનાવેલા મહત્ત્વપૂર્ણ 75 રનનો સમાવેશ થાય છે. તે ટૂર્નામેન્ટમાં ભારત માટે બીજી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની હતી.
WPLમાં આ ટીમનો બની હિસ્સો
પ્રતિકા રાવલ માટે વર્લ્ડ કપની સફર થોડી કડવી પણ રહી હતી. બાંગ્લાદેશ સામેની લીગ મેચમાં ઘૂંટણમાં ઈજા થવાને કારણે તે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમી શકી નહોતી. જોકે, તેમ છતાં ભારતને ટાઇટલ જીતાડવામાં તેનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું. હવે મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 માટે UP વોરિયર્સે પ્રતિકા રાવલને પોતાની ટીમમાં સામેલ કરી છે. શરૂઆતના રાઉન્ડમાં કોઈ ખરીદદાર ન મળ્યા બાદ, છેલ્લે એક્સિલરેટેડ રાઉન્ડમાં તેને 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય કરિયર પર એક નજર
પ્રતિકા રાવલે વર્ષ 2024 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે સીરિઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ખૂબ જ ઓછા સમયમાં તેણે પોતાની અલગ ઓળખ બનાવી છે. અત્યાર સુધીમાં તેણે 23 વન-ડે ઇનિંગ્સમાં 50.45 ની સરેરાશ સાથે કુલ 1,110 રન બનાવ્યા છે. જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 154 રન છે, જે તેની ક્ષમતાનો પુરાવો આપે છે.











