AMC Recruitment 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 250 સહાયક સીનિયર કલાર્કની બમ્પર ભરતી, જાણો અરજી કરવાની રીત અને લાયકાત

AMCમાં સરકારી નોકરીની શાનદાર તક! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 250 સહાયક સીનિયર કલાર્કની ભરતી જાહેર કરી. 7 જુલાઈ 2026 પહેલાં અરજી કરો. જાણો લાયકાત અને પગાર.

અમદાવાદ, મંગળવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે એક ખુશખબર છે. AMC દ્વારા વહીવટી વિભાગમાં ‘સહાયક સીનિયર કલાર્ક’ (Assistant Senior Clerk) ની 250 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ સારી સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ સુવર્ણ તક ચૂકવા જેવી નથી.

જાહેરાત ક્રમાંક 02/2026-27 હેઠળ આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાયક ઉમેદવારોએ AMC ની સત્તાવાર વેબસાઇટ amcmodules.ahmedabadcity.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 જુલાઈ 2026 (રાત્રે 23:59 વાગ્યા સુધી) નક્કી કરવામાં આવી છે.

લાયકાત અને અનુભવ શું જોઈશે?
અરજી કરતા પહેલા ઉમેદવારોએ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા હોવું જરૂરી છે:

શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં ઓછામાં ઓછા 50% કે તેથી વધુ માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન (Bachelor Degree) પૂરું કરેલું હોવું જોઈએ.

જરૂરી અનુભવ: સરકારી, અર્ધસરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બોર્ડ, નિગમ કે કોઈ રજિસ્ટર્ડ કંપનીમાં વહીવટી કામકાજનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે.

કોમ્પ્યુટર જ્ઞાન: ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અથવા 10મા કે 12મા ધોરણમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે ભણેલા હોવા જોઈએ. જો હાલ તમારી પાસે સર્ટિફિકેટ ન હોય, તો નોકરી પર હાજર થયાના 1 વર્ષની અંદર CCC પરીક્ષા પાસ કરવી પડશે.

ઉંમર અને શાનદાર પગારધોરણ
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, અનામત વર્ગના ઉમેદવારો અને મહિલાઓને સરકારી નિયમો અનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. પગારની વાત કરીએ તો, પસંદગી પામેલા ઉમેદવારોને શરૂઆતના 3 વર્ષ સુધી દર મહિને રૂપિયા 26,000 નું ફિક્સ વેતન આપવામાં આવશે. 3 વર્ષ પૂરા થયા બાદ કામગીરીના મૂલ્યાંકનના આધારે તેમને લેવલ-4 પે-મેટ્રિક્સ (રૂ. 25,500 થી 81,100) મુજબ કાયમી પગાર અને અન્ય સરકારી ભથ્થાઓનો લાભ મળવાપાત્ર થશે.

અરજી ફી અને છેલ્લી તારીખ
બિન અનામત (General) કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 500 નક્કી કરાઈ છે. EWS, SEBC, SC અને ST વર્ગના ઉમેદવારોએ રૂપિયા 250 ફી ભરવાની રહેશે. દિવ્યાંગ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી. ખાસ નોંધ લો કે, ઓનલાઈન ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 9 જુલાઈ 2026 છે. વધુ માહિતી અને રોજના નવા અપડેટ્સ માટે ઉમેદવારોએ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ ahmedabadcity.gov.in ની મુલાકાત લેતા રહેવું. અંતિમ તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવા હિતાવહ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!