કેનેડાના સરેમાં કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માના કેપ્સ કાફે પર ફરી એકવાર ગોળીબાર કરવામાં આવ્યો છે. ગોળીબારનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

નવી દિલ્હી,ગુરૂવાર: કેનેડાના સરેમાં કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માના કેપ્સ કાફે પર ફરી એકવાર ગોળીબાર કરવામાં આવ્યો છે. ગોળીબારનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ગોળીબારની જવાબદારી લીધી છે. પોસ્ટમાં કપિલ શર્માને ધમકી આપવામાં આવી છે કે જો તે રિંગ નહીં સાંભળે તો આગલી વખતે તેઓ મુંબઈ પર હુમલો કરશે. ગોળીબાર પછી, ગોલ્ડી ધિલ્લોન નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં લખ્યું છે, “જય શ્રી રામ. સતશ્રી અકાલ. બધા ભાઈઓને રામ રામ. હું, ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ, આજે સરેમાં કપિલ શર્માના કેપ્સ કાફેમાં થયેલા ગોળીબારની જવાબદારી સ્વીકારું છું.”
વધુમાં, પોસ્ટમાં લખ્યું છે કે, “અમે તેમને ફોન કર્યો હતો પણ તેમણે રિંગ સાંભળી ન હતી તેથી અમારે કાર્યવાહી કરવી પડી. જો તેમણે હજુ પણ રિંગ નહીં સાંભળી તો અમે ટૂંક સમયમાં મુંબઈમાં આગળની કાર્યવાહી કરીશું.” મુંબઈ પોલીસ કપિલ શર્માને ધમકી આપતી આ સોશિયલ મીડિયા પોસ્ટની ચકાસણી કરી રહી છે.
કાફેમાં 6 રાઉન્ડ ફાયરિંગ
આ વખતે કપિલના કાફેમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી. હુમલા બાદ, સરેની પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. એક મહિનામાં કેપ્સ કાફે પર આ બીજો હુમલો છે. છેલ્લી ગોળીબારમાં ત્યાંની પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.
છેલ્લી વખત ફાયરિંગ ક્યારે કરવામાં આવ્યું હતું
ગયા મહિને કપિલ શર્માના કેનેડા કાફે ‘કેપ્સ કાફે’ પર મધ્યરાત્રિએ લગભગ 1.30 વાગ્યે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, આ હુમલામાં કોઈને ઈજા થઈ ન હતી. તે સમયે પણ લોકોએ તેમનો વીડિયો જાહેર કર્યો હતો. જોકે, હુમલાના 10 દિવસ પછી જ કાફે ફરીથી ખોલવામાં આવ્યો હતો. છેલ્લા ગોળીબારની જવાબદારી પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના કાર્યકર અને ભારતના મોસ્ટ વોન્ટેડ માણસોમાંના એક હરજીત સિંહ લાડીએ સ્વીકારી હતી.










