શ્રીનગરની હઝરતબલ દરગાહમાં લગાવેલા અશોક ચક્રની તોડફોડ બાદ વિવાદ વકર્યો. 25થી વધુ લોકોની અટકાયત, રાજકીય પક્ષોમાં આક્ષેપબાજી અને પોલીસ તપાસ ચાલુ. આ ઘટના ધાર્મિક લાગણીઓ અને રાજકીય તણાવનો મુદ્દો બની છે.

શ્રીનગર, સોમવાર
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલા પ્રસિદ્ધ હઝરતબલ દરગાહમાં રાષ્ટ્રીય પ્રતીક અશોક ચક્રની તોડફોડના કેસમાં પોલીસની કાર્યવાહીથી તણાવ વધ્યો છે. આ ઘટના શુક્રવારની નમાજ પછી બની હતી, જેના પગલે પોલીસે CCTV ફૂટેજ અને અન્ય વીડિયોના આધારે અત્યાર સુધીમાં 25થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. જોકે, હજુ સુધી કોઈની સત્તાવાર ધરપકડ કરવામાં આવી નથી, પણ પોલીસે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
અશોક ચક્રની તકતી લગાવવાથી વિવાદની શરુઆત
આ સમગ્ર વિવાદની શરુઆત ગુરુવારે થઈ હતી. હઝરતબલ દરગાહ, જે પયગંબર મોહમ્મદના પવિત્ર અવશેષ માટે જાણીતી છે, ત્યાં વકફ બોર્ડ દ્વારા અશોક સ્તંભની તકતી લગાવવામાં આવી હતી. આના પછી શુક્રવારની નમાજ બાદ કેટલાક શ્રદ્ધાળુઓએ આ કૃત્યને ઇસ્લામિક ધર્મશાસ્ત્ર ‘તૌહીદ’ની વિરુદ્ધ ગણાવ્યું. આ લોકોએ તકતીને તોડી નાખી અને ત્યાંથી હટાવી દીધી. આ ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું અને રાજકીય ગરમાવો આવ્યો.
રાજકીય પક્ષોના તીખા પ્રત્યાઘાતો
આ ઘટના પર જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ તીખી પ્રતિક્રિયા આપી છે. નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને CPI(M) જેવી પાર્ટીઓએ વકફ બોર્ડના આ પગલાને ‘provocative’ એટલે કે ભડકાઉ ગણાવ્યું. તેમણે વકફ બોર્ડના અધ્યક્ષ દારક્ષન અંદ્રાબી સામે કાર્યવાહીની માંગ કરી છે.
પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ધાર્મિક સ્થળોમાં સરકારી ચિહ્નોનો ઉપયોગ થતો નથી. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ સરકારી સંસ્થાઓ નથી. તેમણે વકફ બોર્ડને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવાની સલાહ આપી.
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ તોડફોડની સખત નિંદા કરી છે. ભાજપે આ ઘટનાને ફરીથી ‘આતંકવાદ અને અલગતાવાદ’ને ઉશ્કેરવાનો પ્રયાસ ગણાવ્યો છે. દારક્ષન અંદ્રાબીએ તોડફોડ કરનારાઓને ‘ગુંડા’ કહ્યા અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી. તેમણે પબ્લિક સેફ્ટી એક્ટ (Public Safety Act – PSA) હેઠળ કેસ દાખલ કરવાનું સૂચન પણ કર્યું.
જોકે, આ નિવેદનો પર ઓમર અબ્દુલ્લાએ ફરીથી પલટવાર કર્યો. તેમણે કહ્યું કે, માફી માંગવાને બદલે હવે ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે વકફ બોર્ડ લોકોની ધાર્મિક લાગણીઓ સાથે રમત રમી રહ્યું છે. હાલમાં, પોલીસે આ મામલે ‘અજાણ્યા લોકો’ સામે કેસ દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે. આ ઘટનાએ ફરી એકવાર કાશ્મીરમાં ધાર્મિક અને રાજકીય સંવેદનશીલતાઓને હાઈલાઈટ કરી છે.











