અમેરિકાના વર્જિનિયામાં લૂંટના ઈરાદે ઘૂસેલા હુમલાખોરે મહેસાણાના વિજાપુરની મેઘનાબેન પટેલની ગોળી મારી હત્યા કરી છે. આ ઘટનાથી NRI ગુજરાતીઓમાં ભયનો માહોલ છે.

અમેરિકા, મંગળવાર
વિદેશમાં વસતા ગુજરાતીઓની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના એરણે ચડ્યો છે. અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. તાજેતરમાં જ અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં ધોળા દિવસે એક હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં મહેસાણા જિલ્લાની એક પટેલ યુવતીની લૂંટના ઈરાદે નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે.
લૂંટના ઈરાદે બુકાનીધારીએ ચલાવી ગોળી
મળતી વિગતો મુજબ, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા જંત્રાલ ગામના વતની મેઘનાબેન પટેલ છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. તેઓ વર્જિનિયા શહેરમાં આવેલા એક સ્ટોરમાં નોકરી કરતા હતા.
રોજિંદા કામ પ્રમાણે તેઓ સ્ટોર પર હાજર હતા, ત્યારે અચાનક એક બુકાનીધારી લૂંટારો અંદર ઘૂસી આવ્યો હતો. લૂંટ ચલાવવાના ઈરાદે આવેલા આ શખ્સે જરા પણ ડર રાખ્યા વિના મેઘનાબેન પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળી વાગવાથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ભયાનક હુમલાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તુરંત દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હત્યારાને પકડવા માટે તપાસ તેજ કરી દીધી છે.
વતનમાં વૃદ્ધ માતા-પિતા ભાંગી પડ્યા
અમેરિકાથી મેઘનાબેનના મોતના સમાચાર જેવા મહેસાણા પહોંચ્યા, કે તરત જ તેમના વતન જંત્રાલ અને મોસાળ જામળા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.
મેઘનાબેન અમેરિકામાં તેમના પતિ ઉપેન્દ્રભાઈ પટેલ, પુત્રી નકશી અને પુત્ર સ્મિત સાથે રહેતા હતા. અમેરિકામાં રહેતા તેમના પરિવાર પર તો આભ તૂટી જ પડ્યું છે, પરંતુ વતન જંત્રાલમાં રહેતા તેમના વૃદ્ધ પિતા કરસનભાઈ પટેલ અને માતા કપિલાબેન પણ દીકરીના મોતના સમાચાર સાંભળીને ઘેરા આઘાતમાં સરી પડ્યા છે.
NRI ની સુરક્ષા સામે ફરી ઉઠ્યા સવાલ
સારા ભવિષ્ય અને રોજીરોટી કમાવવાની આશાએ વિદેશ ગયેલા ગુજરાતીઓ વારંવાર ત્યાંના ગુનેગારો અને સ્થાનિક ગેંગનો શિકાર બની રહ્યા છે. વિજાપુરની આ દીકરીની હત્યા બાદ અમેરિકામાં વસતા અન્ય NRI લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાં વસતા ભારતીયો હવે કડક સુરક્ષાની માંગ કરી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે હુમલાખોરને જલ્દીથી પકડીને કડકમાં કડક સજા આપવામાં આવે, જેથી મેઘનાબેનના પરિવારને ન્યાય મળી શકે.











